શહેરનું મુખ્ય રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન હાલ આધુનિકીકરણ અને રિડેવલપમેન્ટની કામગીરી હેઠળ છે. આ મોટા પ્રોજેક્ટને કારણે અનેક ટ્રેનોના રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.
અથવા ટર્મિનલ બદલીને અસારવા રેલવે સ્ટેશન પર ખસેડવામાં આવ્યા છે. જોકે, હાલમાં નાતાલની રજાઓના કારણે અચાનક વધેલા મુસાફરોના ભારણ સામે અસારવા સ્ટેશન પર પાયાની સુવિધાઓનો ધરખમ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્લેટફેર્મ પર ભીડ અને બેસવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પણ મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં બેઠક વ્યવસ્થા (બાંકડા) ખૂબ જ ઓછી છે. કલાકો સુધી ટ્રેનની રાહ જોતા વૃદ્ધો અને બાળકોને પ્લેટફેર્મ પર જમીન પર બેસવાની ફરજ પડી રહી છે. ટ્રેનોની સંખ્યા વધી છે, પણ તે મુજબ પ્લેટફેર્મની લંબાઈ અને શેડની સુવિધા અપૂરતી છે.
મુસાફરોની મુખ્ય ફરિયાદ પીવાના શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલયને લઈને છે. ભીડ વધવાને કારણે શૌચાલયોની સફઈ યોગ્ય રીતે થતી નથી, જેનાથી દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ઉપરાંત, સ્ટેશન પર ફુડ સ્ટોલ્સની સંખ્યા પણ મર્યાદિત હોવાથી ખાવા-પીવાની ચીજો માટે મુસાફરોએ સ્ટેશનની બહાર ભટકવું પડે છે. સ્ટેશનની બહાર રિક્ષા સ્ટેન્ડ અને ખાનગી વાહનોના પાર્કિંગની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા નથી. અચાનક ટ્રેન આવતા જ સ્ટેશનની બહાર ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાય છે. મુસાફરોનું કહેવું છે કે, રેલવેએ ટ્રેનો અહીં શિફ્ટ કરી તે સારી વાત છે, પણ તે પહેલાં મુસાફરોની પાયાની જરૂરિયાતોનો વિચાર કરવો જોઈતો હતો. રેલવે પ્રશાસન દ્વારા જો વહેલી તકે અસારવા સ્ટેશન પર સુવિધાઓ વધારવામાં નહીં આવે, તો આગામી સમયમાં મુસાફરોનો રોષ વધી શકે છે.


