AMC દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે તમામ એક પછી એક પોકળ સાબિત થઈ રહ્યા છે. હવે રોડ રસ્તા નહીં પણ AMC ની ઉત્તર ઝોનની કચેરીમાં વરસાદી પાણી ભરાયા છે અને તેનો બે દિવસ સુધી નિકાલ ન થવાના કારણે આખરે પમ્પ મુકવામાં આવ્યો છે. જેના હિસાબે શહેરના વિવિધ વિસ્તારોની શું સ્થિતિ હશે તેનું પણ અનુમાન લગાવી શકાય છે. તેમજ મ્યુનિ. કોર્પોરેશનમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. લિફ્ટમાં પાણી ભરાઈ જવાના કારણે પમ્પ મુકવામાં આવ્યો હોવાનો અધિકારી તરફથી દાવો કરવામાં આવ્યો છે.
મોટા ઉપાડે તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન અંતર્ગત કરવામાં આવતી ઘણી કામગીરી જાણે કે કાગળ પર જ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. AMC ની ઉત્તર ઝોનની કચેરીમાં 2 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા પમ્પ મુકવાના દિવસો આવ્યા છે. જો AMC ઓફિસની અંદર જ આ પ્રકારની સ્થિત સર્જાતી હોય તો શહેરના વિવિધ ભાગોમાં ભૂવા પડવા અને પાણીનો નિકાલ ન થવો તે વાત સમજી શકાય છે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર ઝોનના રાજીવ ગાંધી ભવનમાં લિફ્ટની અંદરના ભાગમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે લિફ્ટ બંધ થઈ હતી અને લોકોની મુશ્કેલી વધી રહી હતી જેના માટે આખરે પમ્પ મુકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.
નિકોલમાં હજી પણ રોડ-રસ્તા પર પાણી જ પાણી
ચોમાસા પહેલા ઝાડનું ટ્રિમિંગ અને શહેરમાં પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવતી હોય છે. તેના માટે મસમોટા બજેટ પણ ફાળવવામાં આવતા હોય છે. તેવામાં નિકોલ જેવા પૂર્વના સૌથી સમૃદ્ધ વોર્ડમાં સંકલ્પ સ્કુલ ચાર રસ્તા પાસે રોડ સમગ્ર રીતે બેસી ગયો છે અને રોડની વચ્ચે જ પાણી ભરાઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ શાળએ જતાં બાળકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે બીજી તરફ લોકોને ત્યાંથી અવરજવર કરવામાં પણ હેરાનગતિ થઈ રહી છે.