- અમદાવાદમાં અત્યાર સુધીમાં મોસમનો 12 ઈંચ જેટલા વરસાદ નોંધાયો
- અમદાવાદ ફરતે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા પણ મેહુલો મન મૂકી વરસ્યો નહીં
- ઉત્તર ગુજરાત, અમદાવાદ જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં પાણીમાં તરબોળ
શહેરમાં બુધવારે બપોર પછી વરસાદના જોરદાર ઝાપટાં સાથે સાંજથી શહેરમાં મૂશળધાર વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં એટલેકે ચાર કલાકમાં સરેરાશ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.શહેરના મણિનગરમાં સૌથી વધુ અઢી ઈંચ, રામોલમાં પોણા બે ઈંચ, વટવા અને ચકુડિયામાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય રસ્તાઓ સહિત નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
અત્યાર સુધીમાં મોસમનો 12 ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. વાસણા બેરેજમાં 132.75 ફુટનું લેવલ નોંધાયું છે. હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને AMCના વિવિધ વિભાગોના સ્ટાફને ખડે પગે રાખવામાં આવ્યા છે. હાટકેશ્વરમાં માતાજીની પ્રતિમા સુધી વરસાદી પાણી પહોંચ્યું હતું.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાજ્યમાં આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, દ્વારકામાં ભારેથી અતિશય ભારે વરસાદની આગાહી છે. બીજા દિવસે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
સુરતના ઉમરપાડામાં 13.16 ઈંચ, ખેરગામમાં 10 ઈંચ વરસાદ સુરતમાં 1,500થી વધુનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં 72 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર કલાકમાં 7.44 ઈંચ સાથે કુલ 13.16 ઈંચ, માંગરોળમાં 9.16 ઈંચ, પલસાણામાં 9.24 ઈંચ, મહુવામાં 8.08 ઈંચ, બારડોલીમાં 8.88 ઈંચ અને કામરેજમાં 6.72 ઈંચ વરસાદ નોંધાયો હતો. આખા દિવસમાં સૌથી વધુ ખેરગામમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદામાં 6.04 ઈંચ, ગણદેવીમાં 3.36 ઈંચ, ચીખલીમાં 4.88 ઈંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં આહવામાં 4.76 ઈંચ, વઘઈ 7.0 ઈંચ, સુબિર 3.68 ઈંચ અને સાપુતારામાં 2.52 ઈંચ નોંધાયો હતો. સુરત શહેરના ઉધના અને સેન્ટ્રલ ઝોનમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં 1,500થી વધુનું સ્થળાંતર કરાયું છે. આજે બુધવારે વડોદરામાં સતત 9 કલાક સુધી ધુંવાધાર વરસાદ વરસ્યો હતો. 8 ઈંચ વરસાદે નિચાણવાળા વિસ્તારોને ધમરોળી નાખ્યા હતાં. ભરૂચ જિલ્લામાં ચાર કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદની જાણે હેલી બંધાઈ હોય તેમ આજે પણ સાર્વત્રિક ઝાંપટાથી 7 ઈંચ સુધીનો આફતનો વરસાદ પડયો છે. પૂરગ્રસ્ત દ્વારકા-કલ્યાણપુર સહિત સૌરાષ્ટ્રમાં બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. જૂનાગઢ જિલ્લામાં આજે સૌથી વધુ વિસાવદરમાં 7 ઈંચ, કેશોદમાં 4 ઈંચ, ભેંસાણમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
કેબિનેટમાં સમીક્ષા : બુધવારે સાત, રાજ્યમાં ચાલુ ચોમાસે 61નાં મૃત્યુ, 51 ડેમ હાઈએલર્ટ પર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચા કરી તમામ જિલ્લા પ્રભારી મંત્રીઓને તાત્કાલિક પહોંચી જિલ્લા તંત્ર સાથે બચાવ રાહતની કામગીરીનું સંકલન અને માર્ગદર્શન કરવા તાકીદ કરી છે. છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી તથા પાણીમાં તણાઈ જવાથી વર્તમાન ચોમાસા દરમિયાન કુલ 8 માનવમૃત્યુ નોંધાયા છે, જેમાં દ્વારકામાં 3, બનાસકાંઠા અને કચ્છમાં 2-2, તથા રાજકોટ-સુરતમાં 1-1 મોત થયા છે. આ ચોમાસા દરમિયાન કુલ માનવ મૃત્યુ આંક 61 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં 7 જિલ્લામાં કુલ 4,238 લોકોનું સ્થળાંતર કરાયું છે. રાજ્યમાં 24મી જુલાઈના સાંજના 6 વાગ્યાની સ્થિતિએ કુલ 670 રસ્તાઓ બંધ હાલતમાં છે. રાજ્યના 207 ડેમ પૈકી 51 ડેમ હાઇએલર્ટ ઉપર, 8 ડેમ એલર્ટ ઉપર અને 12 ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર મુકાયા છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં તથા મધ્યગુજરાતમાં 21 ગામોમાં અતિભારે વરસાદને કારણે વીજળી વેરણ થઈ ગઈ છે, કુલ 5,817 ગામોમાં લાઇટો ડૂલ થઈ હતી, જે પૈકી 5,796 ગામોમાં વીજળી પૂર્વવત્ થઈ ચૂકી હોવાનું જણાવાઈ રહ્યું છે.


