- શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ બનાવવામાં આવ્યો છે 22 કિલોમીટરનો રોડ
- પૂર્વ તરફ એકપણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો નથી
- સમગ્ર રોડ પર 16 સિગ્નલ પણ માત્ર 2 જ ચાલુ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું, ત્યારબાદ તેને વિકસાવવામાં આવ્યું અને પૂર્વથી લઈને પશ્ચિમ છેડા સુધી 22 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો. આમ તો લોકોના ફરવા માટે અને એક છેડેથી બીજા છેડે ટ્રાફિક વગર પહોંચવા માટે સાથે જ આશ્રમ રોડ અને પૂર્વ તરફના વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ તો મોતનો રોડ સાબિત થઈ રહ્યો છે.
જુઓ વર્ષ મુજબ અને પૂર્વ પશ્ચિમ મુજબ અકસ્માત અને મોતના આંકડા
- વર્ષ 2019માં પૂર્વ રોડ પર 7 અકસ્માત થયા, જેમાં 2 લોકોના જીવ ગયા હતા. જ્યારે પશ્ચિમ તરફ એકપણ અકસ્માત થયો નહોતો.
- વર્ષ 2020માં પૂર્વ તરફ 5 અકસ્માત થયા, જેમાં 4 લોકોના મોત થયા, જ્યારે પશ્ચિમ તરફ 4 અકસ્માત થયા, જેમાં 2 લોકોના મોત થયા છે.
- વર્ષ 2021માં પૂર્વમાં 10 અકસ્માત થયા, જેમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે પશ્ચિમ તરફ 8 અકસ્માત થયા, જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા.
- વર્ષ 2022માં પૂર્વ તરફ 19 અક્સમાત થયા હતા, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પશ્ચિમ તરફ 8 અકસ્માતના બનાવમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
- વર્ષ 2023માં પૂર્વ તરફ 29 અકસ્માતના બનાવમાં 5 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પશ્ચિમ તરફ 9 બનાવમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
- તો ચાલુ વર્ષની વાત કરીએ તો પૂર્વ તરફ 3 અકસ્માત થયા હતા, જેમાં એકપણ મોતની ઘટના નથી તો પશ્ચિમ તરફ 4 અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.
16 સિગ્નલ પણ માત્ર 2 જ ચાલુ
ત્યારે આંકડાઓ જોઈને ચોક્કસ લાગે કે આ રિવરફ્રન્ટ રોડ શહેરની ચોક્કસ સુંદરતા વધારી રહ્યો છે, પરંતુ અહીં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. જેમાં સૌથી મોટી બેદરકારી વાહનચાલક નહીં, પરંતુ વહીવટી તંત્રની છે. બંને તરફ 11-11 કિલોમીટરનો રોડ છે, બંને તરફના રોડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માત્ર પશ્ચિમ તરફ વર્ષા ફ્લેટ નજીક 2 જ સ્પીડ બ્રેકર લગાવેલા છે, પૂર્વ તરફ એકપણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો નથી, હદ તો ત્યારે થાય છે કે જ્યારે બંને તરફના રોડ પર 8-8 સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જેમાં માત્ર 2 જ ચાલુ છે, બાકીના 14 સિગ્નલ બ્લિન્ક મોડ અથવા તો બંધ હાલતમાં છે.
પોલીસ અને તંત્ર જરા પણ ગંભીર નહીં
તમને જણાવી દઈએ કે મ્યુનિસિપલ કમિશનર એન થેન્નારસન પશ્ચિમ તરફ જ્યારે પોલીસ કમિશનર જી.એસ.મલિક પૂર્વ તરફ પોતાની ઓફિસમાં બેસે છે, ત્યારે ના તો આ મામલે પોલીસ ગંભીર દેખાઈ રહી છે કે ના તો AMC ગંભીર દેખાય રહ્યું છે. કરોડો રૂપિયાના આંધણ કરી અહીં અલગ અલગ ઈવેન્ટ કરવામાં આવી રહી છે, પરંતુ આ રોડ સુરક્ષિત બને તેના માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી.


