- કામગીરીમાં અનિયમિતતા હશે તો ડે. એસ્ટેટ ઓફિસર સહિતની જવાબદારી
- એસ્ટેટ વિભાગની કામગીરીથી AMC કમિશનર ભારે નારાજ, અસંતુષ્ટ
- ચોમાસામાં ભારે વરસાદને કારણે જર્જરિત મકાનો પડી જતાં જાનમાલની હાનિ થવાની શક્યતા
AMC કમિશનર એમ. થેન્નારસને ચોમાસામાં ભયજનક મકાનો ધરાશાયી થવાના કિસ્સામાં જાનહાનિ થવાની શક્યતાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં ભયજનક મકાનો અંગેનો સર્વે ‘ગંભીરતાથી હાથ ધરવા’ સૂચના આપી છે. આ બાબત માનવ જાનહાનિને લગતી હોવાથી સૂચવ્યા મુજબની કામગીરી ગંભીરતાથી હાથ ધરવા દરેક ટેકનિકલ સ્ટાફ્ને ખાસ નોંધ લેવા તાકીદ કરી છે. આ હેતુસર સરક્યુલર જારી કરીને તાત્કાલિક અસરથી અમલ કરવા તેમણે આદેશ આપ્યો છે. આ કામગીરીમાં અનિયમિતતા જોવા મળશે તો ડે. એસ્ટેટ ઓફિસર, જે તે વોર્ડના આસિ. A.O. /એસ્ટેટ ઈન્સ્પેક્ટર / એસ્ટેટ સબ- ઈન્સ્પેક્ટરની જવાબદારી રહેશે. તમામ ભયનજક મકાનો અંગે સર્વે કરીને તમામ કિસ્સામાં મકાનોના માલિકો/ કબજેદારોને તાકીદે મકાનોનું રીપેરીંગ કરાવી લેવા, સલાતમ સ્ટેજે ઉતારીને સિક્યોર કરવા નોટિસ આપવા તાકીદ કરવામાં આવી છે અને આ મામલે તમામ એસ્ટેટ-ટીડીઓ અધિકારીઓ, સ્ટાફને સૂચના આપી છે. જો ભયજનક મકાનો અંગે નોટિસ આપ્યા પછી માલિકો અને કબજેદારો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તેવા કિસ્સામાં મકાન કે મકાનનો ભયજનક હિસ્સો ઉતારી લેવા તાકીદે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
ચોમાસામાં ભારે વરસાદને કારણે જૂના અને જર્જરિત મકાનો પડી જવાના કિસ્સામાં જાનમાલની હાનિ થવાની શક્યતા હોય છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીથી ખુદ કમિશનર પણ હવે અસંતુષ્ટ હોવાથી તેમણે સ્પષ્ટ કહેવું પડયું છે કે, આ બાબતને ગંભીરતાથી લેવી. ભયજનક મકાનોનો સર્વે કરી જે પણ મકાનમાં નોટિસ આપવાની કાર્યવાહી કર્યા બાદ પણ જો માલિક/ કબ્જેદારો દ્વારા આ અંગે કોઇ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં ના આવે તો તે મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવી. આ કામગીરી માટે જરૂર જણાય તેવા કિસ્સામાં પોલીસ બંદોબસ્ત મેળવીને પણ આ કામગીરી પૂરી કરવા સૂચના આપી છે. આ બાબતે ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફ્સિરે તપાસ કરી લેવાની રહેશે.


