હાલ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટાભાગની સરકારી કચેરીનો સ્ટાફ જોતરાયેલો છે, ત્યારે આ કામગીરીને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દસ્તાવેજની કામગીરી અટકી ગઈ છે. બોર્ડમાં ચારથી પાંચ ટેબલમાં થતી દસ્તાવેજની કામગીરી ખોરંભે ચઢતા મકાન માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જૂના મકાનોમાં લેણાંની કામગીરી પૂરી કરનાર મકાન માલિકને દસ્તાવેજ કરી આપવાનો રહે છે, જેમાં ઢગલાબંધ લોકોએ અરજી કરી છે. હવે છેલ્લા 26 દિવસથી SIRની ચાલતી કામગીરીમાં મોટાભાગના સ્ટાફનો ઓર્ડર થયો છે. જેના લીધે બોર્ડની ઓફિસમાં પૂરતો સ્ટાફ જ નથી. સ્ટાફ ન હોવાના લીધે દસ્તાવેજ માટે આવતાં મકાન માલિકો પાસેથી પુરાવા સહિત અરજી લઇ લેવાય છે. જ્યારે દસ્તાવેજ માટે થોડાક સમય પછી આવવાનું કહીને રવાના કરી દેવાય છે. હવે બોર્ડના મકાન ધરાવતા લોકોને મકાન વેચવું હોય તો મુશ્કેલી પડી રહી છે. જેની પાસે એડવાન્સ રકમ લઇ લીધી હોય તેઓ દસ્તાવેજ કરી આપવા દબાણ કરે છે, ત્યારે મકાન માલિકો બોર્ડની કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ બોર્ડમાં દસ્તાવેજ માટેની ફાઇલ ચારથી પાંચ ટેબલ પર ફરે છે. જે પ્રોસેસ પૂરી થયા પછી દસ્તાવેજ માટે તારીખ અપાય છે, પરંતુ હાલ તો ફાઇલ જ આગળ વધતી નથી. હવે મકાન માલિકો દસ્તાવેજની રાહ જોઇને બેસી રહ્યા છે.


