અમદાવાદ પૂર્વમાં લાલદરવાજા ખાતે આવેલા વિક્ટોરિયા ગાર્ડનમાં આવતા લોકો માટે વાહન પાર્કિંગની પૂરતી સુવિધા ન હોવાથી નિયમિત રીતે આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
ગાર્ડનના ગેટ પાસે જ ટ્રાફિક જંક્શન હોવાથી ગાર્ડનની બહાર વાહનો પાર્ક કરી શકાતા નથી. લોકોએ છેક એક કિ.મી. દૂર રિવરફ્રન્ટ પર જઇને વાહનો પાર્ક કરવા પડી રહ્યા છે !
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત વિક્ટોરિયા ગાર્ડનમાં આવતા લોકો માટે પૂરતી સુખ-સુવિધાનું ધ્યાન ગાર્ડનની અંદર તો રાખવામાં આવ્યું છે પરંતુ ગાર્ડનની બહાર મુલાકાતીઓ માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા જ ઉપલબ્ધ કરાવાઇ નથી. કેટલાક કિસ્સાઓમાં વાહનચાલકો ગાર્ડનની દિવાલને અડીને ટુ-વ્હિલર, ફોર વ્હિલર પાર્ક કરી દેતા હોય છે જોકે ગાર્ડનના ગેટ પાસે જ ટ્રાફિક જંક્શન હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી જાય છે. આ સ્થિતિમાં ગાર્ડનમાં આવતા મુલાકાતીઓને રિવરફ્રન્ટ પર જઇને વાહનો પાર્ક કરાવડાવવામાં આવી રહ્યા છે. કારણકે બીજો કોઇ વિકલ્પ જ નથી.
જેના કારણે સવાર-સાંજ ગાર્ડમાં આવતા મુસાફરોએ પાર્કિંગ માટે હાલાકી ભોગવવી પડી રહી છે. વળી દર રવિવારે ગુર્જરી બજાર રિવરફ્રન્ટ અને ગાર્ડનના ગેટ પાસે ભરાય છે. જેના કારણે આખો વિસ્તાર દબાણોથી ભરચક થઇ જતા વાહનચાલક ત્યાં એક સેકન્ડ માટે પણ વાહન ઉભું રાખી શકે તેવી સ્થિતિ રહેતી નથી. રવિવારે ગુર્જરી બજાર ભરાતું હોવાથી વાહનચાલકોએ તો રિવરફ્રન્ટ પર પણ વાહન પાર્ક કરવામાં નાકે દમ આવી જાય છે. આ સ્થિતિમાં મોટાભાગના ગાર્ડનના મુલાકાતીઓ રવિવારે ગાર્ડનમાં આવવાનું ટાળી રહ્યા છે. અથવા તો ખાનગી વાહનોમાં કે ચાલતા જ ગાર્ડનમાં આવતા હોય છે.
ગાર્ડનમાં આવતા મુલાકાતીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક વધુ રહે છે. વાહન પાર્ક કરી શકાતા નથી. રિવરફ્રન્ટ પર વાહનપાર્ક કરવા જવું પડે છે. ગાર્ડનની આજુબાજુ બીજી કોઇ જગ્યા જ નથી કે વાહન પાર્ક કરી શકાય. પાર્કિંગની સુવિધા વગરનું આ ગાર્ડન એક બાજુ કોર્પોરેશનની અણઆવડત છતી કરે છે તો બીજી બાજુ મુલાકાતીઓએ વાહન લઇને ગાર્ડનમાં આવવું હોય તે વિચાર કરવો પડે છે.


