- છાશવારે નોટિસો ફટકારનાર વાહનવ્યવહાર વિભાગ ડીલરોને છાવરે છે
- રાજકીય દબાણ લાવવામાં આવશે તો કોઈને સજા નહીં થાય તેવી ચર્ચા
- સુનાવણી બાદ 25 વાહન ડીલરોએ જાણી જોઇને ખોટુ કર્યું હોવાનું બહાર આવતા દોષિત જાહેર થયા
નવા વાહનના રજિસ્ટ્રેશનમાં ખોટું કરનાર વાહન ડીલરો સહિત આરટીઓ કચેરી તરફથી 10 ડીલરોને સસ્પેન્ડ કરવા મળેલી અરજી અંતર્ગત રાજ્યના 50 વાહન ડીલરોની ગત 20થી 23 એપ્રિલ દરમિયાન વાહનવ્યવહાર કમિશનર કચેરી ખાતે સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી બાદ 25 વાહન ડીલરોએ જાણી જોઇને ખોટુ કર્યું હોવાનું બહાર આવતા દોષિત જાહેર થયા છે. દોષિત વાહન ડીલરો સામે કડક કાર્યવાહીની વિભાગના અધિકારીઓ તરફથી બાંગ પુકારાય છે. પરંતુ દોષિત વાહન ડીલરો સામે કાર્યવાહી કરવાની સમય મર્યાદા નક્કી નથી. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, આરટીઓ સ્ટાફને છાશવારે નોટીસ આપનાર વાહનવ્યવહાર વિભાગ ડીલરોને છાવરે છે. રાજકીય દબાણ થશે તો એક પણ વાહન ડીલરને સજા થવાની શક્યતા નહિવત છે.
રાજ્યમાં નવા વાહનોનું વેચાણ કરનાર વાહન ડીલરોને જ આરટીઓ રજિસ્ટ્રેશનની સપ્ટેમ્બર-23થી કામગીરી સોંપાયા બાદ સંખ્યાબંધ ભૂલો બદલ રાજ્યની વિવિધ આરટીઓના ઇન્સ્પેકટરો દ્વારા વાહન ડીલરોને વારંવાર નોટીસ ઇસ્યુ કરાઈ હતી અને સસ્પેન્ડ માટે વાહનવ્યવહાર કમિશનરને રાજ્યની 38 આરટીઓમાંથી અંદાજે 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરાઇ હતી. વાહનવ્યવહાર વિભાગે પણ વાહન રજિસ્ટ્રેશનમાં ખોટું કરનાર રાજ્યના 25થી વધુ વાહન ડીલરોને સીધી નોટિસ ફટકારી હતી. આ તમામ મળી અંદાજે 50 વાહન ડીલરોની ગત 20થી 23 એપ્રિલ દરમિયાન સુનાવણી કરાઇ હતી. સુનાવણી દરમિયાન કેટલાક ડીલરો પૂરતા પુરાવા પણ રજૂ કરી શક્યા નહતાં. ડીલરોની સુનાવણી પુરી થઇ ગયા પછી ખરેખર તો ત્વરિત જ કાર્યવાહી કરવાની થાય. પરંતુ વિભાગના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, 25થી વધુ વાહન ડીલરો દોષિત છે. કાર્યવાહીમાં એક મહિના સુધીનો સમય લાગશે. તેમણે આક્ષેપ કર્યો છેકે, ત્વરિત કાર્યવાહી કરવાના બદલે જાણી જોઇને સમયનો વ્યય કરાય છે. જે ડીલરો દોષિત જાહેર થયા છે, તે પોતાનો વ્યવસાય બંધ કરે તો બેરોજગારીથી લઇ ઘણાં પ્રશ્નો સર્જાય. પરિણામે વિભાગ તરફથી ચૂંટણી સુધી કાર્યવાહી થવાની શક્યતા ઓછી છે.


