- ધો. 10માં પાસ થયેલા 218 પૈકી 120 જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેટલી જગ્યા
- હાલમાં શહેરની તમામ સ્કૂલોમાં ધોરણ-11ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે
- વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો તેમના ભવિષ્યનો પ્રશ્ન ઉપસ્થિત થશે
માઉન્ટ કાર્મેલ સ્કૂલ દ્વારા ધોરણ-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહીં આવે તેમ જણાવતા વાલીઓ અકળાયા હતા અને સ્કૂલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. સ્કૂલ સંચાલકોએ વાલીઓને બેઠકોના અભાવે તમામ વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ ફાળવવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ-10ના ચાર વર્ગો આવેલા છે. આ વિદ્યાર્થીઓ પૈકી તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધોરણ-10ના પરિણામમાં 218 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફ્ળ રહ્યા છે. જોકે, સ્કૂલ પાસે ધોરણ-11ના 2 જ વર્ગો છે, જેથી તે માત્ર 120 વિદ્યાર્થીઓને જ ધોરણ-11માં પ્રવેશ ફાળવી શકશે તેમ વાલીઓને જણાવ્યું હતું. આમ, બાકીના 98 વિદ્યાર્થીઓના પ્રવેશ માટે સ્કૂલે હાથ અદ્ધર કર્યા હતા. વાલીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, હાલમાં શહેરની તમામ સ્કૂલોમાં ધોરણ-11ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો તેમના ભવિષ્યનો પ્રશ્ન ઉપસ્થિત થશે. જેથી વાલીઓએ સ્કૂલ સંચાલકો સાથે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંચાલકોએ સાંભળવાનો ઈનકાર કરતા વાલીઓએ કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં ન આવનાર હોવાના મુદ્દે હોબાળો કરતા સ્કૂલ સંચાલકોએ પોલીસ બોલાવી હતી. જોકે, આ મુદ્દે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પણ ફરિયાદ પહોંચી હતી. જેથી તેમણે તપાસ કરતા સ્કૂલ દ્વારા મંગળવારના રોજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે તેમ જણાવાયું હતું.


