- હુમલો કરનારા શખ્સોએ 15 દિવસ પહેલાં પણ વેપારીને ગલ્લો ખાલી કરી દેવા ધમકી આપી હતી
- ચારે શખ્સો ઈશ્વરલાલને લાકડીઓ વચ્ચે રસ્તા વચ્ચે ફટકાર્યો હતો
- ચારેય શખ્સોએ વેપારીને લાકડીઓથી માર માર્યા બાદ જાનથી મારી નાખવાની આપી
ચાંદખેડામાં અસામાજીક ચાર તત્વોએ તુ કેમ અહીંયા ધંધો કરે છે તેમ કહીને એક વેપારીને લાકડીઓ વડે જાહેરમાં ફટકાર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ અંગે વેપારીએ ચાંદખેડા પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ચાંદખેડા વિસ્તારમાં PVR સિનેમાની સામે સર્વિસ રોડ પર ઇશ્વરલાલ ચૌધરી પાનનો ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. તેઓ મંગળવારે સવારે પાનના ગલ્લે હાજર હતા ત્યારે તેમણે શૌચક્રિયા માટે તેઓ ગલ્લા પાછળ ગયા હતા. આ દરમિયાન રાજુ, સંજય, હર્ષદ અને અપ્પુ રબારી નામના ચાર શખ્સો ત્યાં આવીને’તને પંદર દિવસ પહેલા અહીંયા ધંધો કરવો નહીં તેમ કહ્યું હતું, છતાં તું કેમ ધંધો કરે છે’, કહીને ચારે શખ્સો ઈશ્વરલાલને લાકડીઓ વચ્ચે રસ્તા વચ્ચે ફટકાર્યો હતો. ઇશ્વરલાલ વધુ મારથી બચવા માટે ત્યાંથી ભાગી રહ્યો હતો ત્યારે બે શખ્સોએ ઇશ્વરલાલના બંને પગના ઘૂંટણ પર લાકડીઓ વડે માર માર્યો હતો. બબાલને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવતા ચારેય શખ્સોએ ‘તું ગલ્લો ખાલી કરી અહીંથી જતો રહે નહીં તો જાનથી મારી નાખીશ ‘ તેવી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. ઇશ્વરલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે ઈશ્વરલાલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


