- ભગવાન શ્રીરામ-રામમંદિરના પતંગોનું આકર્ષણ
- આખો દિવસ રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું રહ્યું
- દિવસે ધાબે-છાપરે પરંપરાગત વાનગી, રાત્રે હોટેલ્સ, રેસ્ટોરેન્ટ્સ અને સ્ટ્રીટફૂડની જ્યાફત
અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ્ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ્ કાઈપો છે…, લપેટ… લપેટ…ની બૂમો સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી છવાયેલું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઊઠયું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.આ વખતે પોલીસની ધોસને પગલે ચાઈનીઝ દોરીની જગ્યાએ સુરતી દોરી અને વધુ કાચ નાખીને ઘસાયેલી દોરીનો વધુ ઉપયોગ લોકોએ કર્યો હતો. જેમાં મોટાભાગને દોરી વાગવાથી મોંના તથા હાથના ભાગે ઈજાઓ થઈ હતી.આ ઉત્તરાયણમાં દર વર્ષની માફક તુક્કલો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. જો કે, આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ ફ્ટાકડા ફેડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઊઠયું હતું. લોકોએ બપોરના સ્પેશયલ ઊધિયું, જલેબી અને લીલવાની કચોરી મંગાવીને મોજ માણી હતી. જયારે બપોરના લોકો ફરી ધાબા ઉપર ચઢીને પતંગો ઉડાવ્યા હતા.જેમાં ગ્રુપમાં પંતગો ઉડાડીને કાપ્યો… કાપ્યોની બૂમા બૂમો પાડી હતી. તેમજ અયોધ્યામાં રામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિશે ઉત્સાહ દર્શાવતા જય શ્રીરામના ગીત પર લોકો ઝૂમતા જોવા મળ્યા હતા. દર વખતની જેમ આ વર્ષે અમદાવાદમાં અનેક લોકો દેશ-વિદેશથી ઉત્તરાયણ કરવા આવ્યા છે.આ વર્ષે રાતના સમયે લોકો તુક્કલ કે ચાઇનીઝ બલૂન નથી ઉડાવી રહ્યા, પરંતુ એની જગ્યાએ હવે ગુજરાતીઓએ ફ્ટાકડા ફેડી, ગરબા રમીને ઉજવણી કરી હતી. સવારથી ઠેર-ઠેર ધાબા પર જય શ્રીરામના ગીત વાગી રહ્યાં હતા. તો કેટલીક જગ્યાએ પંતગ કપાય એટલે ગરબા અને ડાન્સ કરીને મોજ માણી હતી. શહેરના નારણપુરા, ઘાટલોડિયા, શાતિવન, વેજલપુર, જોધપુર સહિતના વિસ્તારમાં ધાબા નજીકમાં હોવાથી એકબીજાના પંતગો કાપીને મજા માણી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો માટે ગેસવાળા ફુગ્ગાની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી. ઉત્તરાયણના દિવસે સાંજ પડતા લોકોએ પંતગની સાથે આતશબાજી કરીને ઉજવણી કરી હતી. રાત્રના સમયે લોકો ખાવા માટે હોટલોમાં ગયા હતા. જયા લાંબી લાઈનોમાં ઉભી રહીને જમીને પરત ધાબા ઉપર જઈને વ્હાઈટ પંતગ ચઢાવ્યા હતા. આમ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ લોકોએ મજા લીધી હતી.
ઊંધિયા, જલેબી અને લીલવાની કચોરી મોંઘી હોય ખાવામાં કાપ મુકયો
શહેરના વિવિધ વિસ્તારોમાં ઊંધિયા,જલેબી અને લીલવાની કચોરીના 15હજારથી વધુ સ્ટોર લાગ્યા હતા.જેમાં ઊંધિયુ એક કિલોના રૂ.400 થી 550 કિલો, જલેબી ચોખ્ખા ઘીની રૂ.500 થી 850 કિલો અને લીલવાની કચોરી રૂ.450 થી 550 કિલોના ભાવે વેચાણ કરવામાં આવ્યા હતા. લોકો ખરીદી કરવા માટે સવારેથી લાઈનો લાંગી હતી.જો કે, ઊંધિયુ , જલેબી અને લીલવાની કચોરી મોંઘી હોવાથી લોકોએ ખાવામાં કાપ મુકવો પડયો હતો.
તલ,સીંગની ચિક્કી, બોર, શેરડી જામફળની મોજ માણી
ઉત્તરાયણના દિવસે લોકોએ તલ, સીંગની વિવિધ ચિક્કીઓ, શેરડી .જામફળ સહિત બોરની મોજ માણી હતી. લોકો ગ્રુપમાં નાસ્તાની વિવિધ ખરીદી કરીને લાવીને ધાબા ઉપર લઈ જઈને એક બીજાને ખવડાવ્યા હતા. તો કેટલીક જગ્યાએ બપોરના ચોળાફળી, દાળવડાની મોજ માણી હતી.


