- બરોડા મેડિકલ કોલેજ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવમાં વક્તવ્ય
- ચંદ્રયાનની સફળતા પછી નાસા સહિત ઘણાં દેશોના સ્પેસ રિસર્ચ સેન્ટર ભારત સાથે કામ કરવા ઉત્સાહિત
- ચંદ્ર પર માનવીને મોકલવાનું અને 2035 સુધીમાં અવકાશમાં સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરવાનું
ચંદ્રયાન મિશનની સફળતા પછી નાસા સહિત ઘણાં દેશોના સ્પેસ રિસર્ચ સેન્ટર ભારત સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. અગામી 20 વર્ષમાં ઈસરોનું મુખ્ય લક્ષ્ય ચંદ્ર પર માનવીને મોકલવાનું અને 2035 સુધીમાં અવકાશમાં સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરવાનું છે. પરંતુ તેના માટે માત્ર ઈસરો એ જ નહીં, સમગ્ર દેશે મહેનત કરવી પડશે. આગામી વર્ષે ઈસરો ભારતીય અવકાશયાત્રીને સ્પેસમાં મોકલશે તેમ ઈસરોના પૂર્વ ચેરમેન એ.એસ.કિરણ કુમારે પત્રકારો સાથે સંવાદમાં જણાવ્યું હતું.
બરોડા મેડિકલ કોલેજને 75 વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવમાં તેમનું પ્રવચન યોજાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાલ ભારત વિશ્વ સ્તરે ઈકોનોમીમાં પાંચમાં સ્થાને છે. જેથી ભારતે હજુ વધુ આગળ જવા માટે ઈકોનોમીને લગતાં મહત્વના પાસાંઓ પર કામ કરવું પડશે. કહેવાઈ રહ્યું છે કે, આગામી વર્ષોમાં કુલ સ્પેસ ઈકોનોમી ટ્રિલિયન ડોલરથી વધુ હશે. ભારત પાસે સેટેલાઈટ બનાવવાની, તેને લોન્ચ કરવાની ક્ષમતા છે, જેનો ઉપયોગ કરી ભારતે ઓછામાં ઓછું 20થી 25 ટકા ટ્રિલિયન ડોલરમાં આવવું પડશે. જે માટે સરકાર વિવિધ પોલિસી પર કામ કરી રહી છે. જો કે, સરકાર પાસે એટલાં બધાં રિસોર્સિસ પણ નથી. જેથી આ કામ પ્રાઈવેટ સેક્ટરમાં વધુ સારી રીતે થઈ શકશે. કારણ કે, હવે પ્રાઈવેટ સેક્ટર પણ સ્પેસ ટેકનોલોજીમાં પ્રવેશી રહ્યું છે. જેનાં કારણે ભારતના પ્રતિભાશાળી વિદ્યાર્થીએને ઊંચુ પગાર ધોરણ મળશે.
વિદેશોમાં જતાં વિદ્યાર્થીઓે ભારતનું ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ
વિદેશ જતાં વિદ્યાર્થીઓ માટે એ.એસ.કિરણ કુમારે કહ્યું હતું કે, હું બ્રેન ડ્રેઇન શબ્દમાં વિશ્વાસ નથી કરતો. કારણ કે, હાલ ભારતમાં કારકિર્દીની એટલી બધી તકો પણ નથી. જે આજના યુવાધનને જોઈએ છે. જેથી જો યુવાનો વિદેશોમાં જઈને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યાં છે અને ઉચ્ચ કારકિર્દી ઘડી રહ્યાં છે, તો તેમને રોકવા જોઈએ નહીં, કારણે આ ટેલેન્ટ હમણાં નહીં તો આગામી વર્ષોમાં ભારતમાં પરત આવવાનું જ છે.


