- DGCAએ દિલ્હી, કોચી અને બેંગ્લોરમાં એરલાઇન્સનું નિરીક્ષણ કર્યું
- એર ઇન્ડિયા CARની જોગવાઈઓનું પાલન કરી રહી ન હતી
- ડીજીસીએએ એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ જારી કરી
એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર મુસાફરોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓને લગતા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ ₹10 લાખનો દંડ ફટકાર્યો છે. DGCA એ દિલ્હી, કોચી અને બેંગ્લોર એરપોર્ટ પર એરલાઇન્સનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે, એર ઇન્ડિયા સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતા (CAR) ની જોગવાઈઓનું પાલન કરી રહી નથી.
ડીજીસીએએ એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ જારી કરી હતી
ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે, 3 નવેમ્બરના રોજ ડીજીસીએએ એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ જારી કરી હતી. જેમાં કારણ દર્શક નોટિસના એર ઈન્ડિયાના જવાબના આધારે, એવું જાણવા મળ્યું હતું કે, એરલાઈન CARની જોગવાઈઓનું પાલન કરતી નથી. આ મુદ્દે “વિલંબિત ફ્લાઇટ્સથી પ્રભાવિત મુસાફરો માટે હોટેલમાં રહેવાની સગવડ ન આપવા, તેમના કેટલાક ગ્રાઉન્ડ કર્મચારીઓને નિયમો અનુસાર તાલીમ ન આપવા અને બિન-સેવાપાત્ર બેઠકો પર મુસાફરી કરવા માટે કરાયેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ ક્લાસના મુસાફરોને વળતરની ચુકવણી ન કરવા” સંબંધિત છે. આ ક્ષતિઓ માટે, DGCA એ ₹10 લાખનો નાણાકીય દંડ લાદ્યો છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ 5,500 કર્મચારીઓ ધરાવે
સૂત્રો દ્વારા મળતાં અહેવાલ મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસના કેબિન ક્રૂના સંખ્યાબંધ સભ્યોએ લે-ઓવર દરમિયાન રૂમ શેરિંગ અંગેના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને દાવો કર્યો છે કે આવા પગલાથી ફ્લાઈટ ડ્યુટી પહેલાં અવિરત આરામ મેળવવામાં વિવિધ મુશ્કેલીઓ ઊભી થાય છે. જ્યારે એરલાઈને કહ્યું છે કે, રૂમ શેરિંગ માર્કેટ પ્રેક્ટિસ સાથે સુસંગત છે અને અન્ય ઘણા કેરિયર્સ દ્વારા અનુસરવામાં આવે છે. આ ઉપરાંત, કેબિન ક્રૂના સભ્યોએ કેટલાક સભ્યોના સર્વિસ કોન્ટ્રાક્ટમાં ઘટાડો તેમજ એરલાઇનમાં આકારણી પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ મળીને 5,500 કરતાં વધુ કર્મચારીઓ અને લગભગ 1,800 કેબિન ક્રૂ સભ્યો ધરાવે છે.


