એરઇન્ડિયાના અત્યારે દિવસો ખરાબ ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એરઇન્ડિયાની સેવાઓને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે એરલાઇન્સ એર ઇન્ડિયા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ક્રિકેટરે ઠાલવ્યો રોષ
વોર્નરે X પર લખ્યું કે @Air India, અમે પાઇલટ વિના વિમાનમાં બેઠા છીએ અને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે તમને ખબર હોય કે પાઇલટ નથી ત્યારે તમે મુસાફરોને કેમ ચઢવા દો છો?” તેમની પોસ્ટને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી, જેમાં ઘણા મુસાફરોએ એર ઈન્ડિયાની નબળી સેવા પર સવાલ ઉઠાવ્યા.
સુપ્રિયા સુલે પણ અકળાયા હતા
એક દિવસ પહેલા, NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ પણ એર ઈન્ડિયાની ટીકા કરી હતી. સુલેએ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI0508 ના 1 કલાક અને 19 મિનિટ મોડા ઉડાન ભરવા પર નારાજગી વ્યક્ત કરી. તેમણે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે આનાથી મુસાફરોને સતત અસુવિધા થઈ રહી છે. આ અસ્વીકાર્ય છે. હું માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને વિનંતી કરું છું કે તેઓ એરલાઇન્સને જવાબદાર બનાવવા માટે કડક નિયમો લાગુ કરે.
શિવરાજસિંહે પણ ટીકા કરી હતી એરઇન્ડિયાની
એર ઇન્ડિયાએ આ વિલંબ માટે ઓપરેશનલ સમસ્યાઓને જવાબદાર ઠેરવી હતી. જોકે આવુ પહેલી વાર નથી જ્યારે એર ઇન્ડિયાની સેવાઓ પર પ્રશ્નો ઉભા થયા હોય. ગયા મહિને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ફ્લાઇટમાં “અસ્વસ્થતા”વાળી બેઠકો માટે એરલાઇનની ટીકા કરી હતી. એર ઇન્ડિયાએ બાદમાં માફી માંગી અને મુસાફરોના અનુભવને સુધારવાનું વચન આપ્યું હતું.


