- હાલ દેશના અનેક રાજ્યોમાં હાડથીજવતી ઠંડી યથાવત
- IMDની આગાહી દિલ્હીમાં 26 જાન્યુઆરી સુધી ધુમ્મસ
- GRAPના ત્રીજા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવશે
હાલ દેશના અનેક રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. જેમ જેમ ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે. તેમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે. IMD એ રાષ્ટ્રીય રાજધાનીમાં 26 જાન્યુઆરી સુધી મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે. 27 અને 28મી જાન્યુઆરીએ પણ ધુમ્મસની શક્યતા છે. તે સાથે જ IMDએ કહ્યું કે, 26 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં સવારે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.
IMDની આગાહી દિલ્હીમાં 26 જાન્યુઆરી સુધી ધુમ્મસ
બુધવારે દિલ્હી NCR માં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદુષિત હવાની ગુણવત્તાને રોકવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. એનસીઆરમાં પ્રદુષિત હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક-બે દિવસ સ્થિતિ પર નજર રાખવાનો નિર્ણય કર્યો છે. જો ત્યાર બાદ પણ હવાની ગુણવત્તામાં કોઈ ફેરફાર ન થાય, તો કેન્દ્રની વાયુ પ્રદૂષણ નિયંત્રણ યોજના (GRAP) ના તબક્કા 3 હેઠળ કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
દિલ્હીની સરેરાશ AQI સુધરવાની શક્યતા
GRAP ના સંચાલન માટે કમિશન ઓન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ની પેટા-સમિતિ બુધવારે મળી હતી અને વર્તમાન હવાની ગુણવત્તા અને આગાહી હવામાન પરિસ્થિતિઓ તેમજ ભારત હવામાનશાસ્ત્ર દ્વારા અંદાજિત હવા ગુણવત્તા સૂચકાંકની સમીક્ષા કરી હતી. પેટા સમિતિએ હવાની ગુણવત્તાની વ્યાપક સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું કે, IMD (ભારતીય હવામાન વિભાગ) અને IITM (ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા) ની હવાની ગુણવત્તાની આગાહી મુજબ દિલ્હીની સરેરાશ AQI સુધરવાની શક્યતા છે.
GRAPના ત્રીજા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવશે
આ કારણોસર, સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે એક-બે દિવસનો સમય લીધો છે. પરંતુ જો તેમાં કોઈ સુધારો નહીં થાય, તો GRAPના ત્રીજા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવશે. GRAP ના તબક્કા 1 અને 2 હેઠળ અમલમાં મુકવામાં આવેલી ચાલુ નિવારક અને પ્રતિબંધાત્મક ક્રિયાઓ તે સમય માટે ચાલુ રહેશે અને પેટા-સમિતિ આગળના નિર્ણયો માટે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે.
NCRમાં ઓછી વિઝિબિલિટી – ફ્લાઈટ્સ મોડી પડી
ત્રીજા તબક્કાના પ્રતિબંધોમાં દિલ્હી-NCR માં બિન-જરૂરી બાંધકામ અને BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ કારના સંચાલન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. અગાઉ 18 જાન્યુઆરીએ હવાની ગુણવત્તામાં સુધારો થયા બાદ GRAP પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. NCRમાં ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે.


