- મત્સ્યપુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા કરવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ પક્ષ અક્ષય બની રહે છે
આપણા લોકજીવનમાં અન્ય તિથિઓની સરખામણીમાં અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજની તિથિનું એક પર્વ જેટલું મહત્ત્વ આંકવામાં આવે છે. અખાત્રીજના દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. મુહૂર્ત ગ્રંથ અને હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતિયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ અને સ્વયંસિદ્ધ અભિજિત મુહૂર્ત છે. અખાત્રીજના દિવસે આવતાં તમામ મુહૂર્ત સ્વયંસિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આથી તમામ માંગલિક કાર્યો મુહૂર્ત જોયા વગર થઈ શકે છે. એટલે જ શુભ મુહૂર્તનું બીજું નામ અક્ષય તૃતિયા કહેવાય છે. આ દિવસે કરાતાં કોઈ પણ મંગળ કાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી. કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે. ઘણી વાર યુવક-યુવતીના અમુક ગ્રહોને ધ્યાનમાં રાખતા લગ્ન માટેનું મુહૂર્ત આવતા વર્ષ નીકળી જતું હોય છે, જ્યારે અખાત્રીજને દિવસે ગ્રહોની કે બીજી કોઈ પળોજણમાં પડવાની જરૂર રહેતી નથી. આમ, લગ્ન માટેનું આ સર્વસામાન્ય અને સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. અક્ષય તૃતિયાનો દિવસ સોનાની ખરીદી માટે પણ ઘણો શુભ મનાય છે અને એટલે જ આ દિવસે મોટા પાયે સોનાની ખરીદી થતી હોય છે.
અક્ષય તૃતિયા પર્વના નામકરણમાં બે શબ્દો છે. અક્ષય અને તૃતિયા અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય થતો નથી તેવું અને તૃતિયા એ તિથિ ક્રમ છે. આ એક એવી તિથિ છે જેની કદી ક્ષય થતો નથી. આ દિવસનું આ રીતે પણ મહત્ત્વ આંકવામાં આવે છે કે અક્ષય તૃતિયાને દિવસે કરવામાં આવેલાં દાન-પુણ્ય, ધાર્મિક કાર્યોનાં પુણ્યોનો ક્યારેય ક્ષય થતો નથી. આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ તરીકે પણ ઓળખાય છે. અક્ષય તૃતિયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવારનો દિવસ હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી શિવની પૂજા કરી જળ ભરેલા ઘડાનું દાન કરનાર શિવલોકમાં પણ પૂજાય છે, એવું ગ્રંથોમાં લખેલું છે.
વિષ્ણુ ધર્મોત્તરમાં એવું જણાવ્યું છે કે આજના દિવસે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતિયા કહેવાય છે. મત્સ્યપુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની અક્ષત (ચોખા) વડે પૂજા કરવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ પક્ષ અક્ષય બની રહે છે. જ્યારે અન્ય કોઈ પણ સમયે ભગવાન વિષ્ણુની અક્ષત દ્વારા પૂજા કરવામાં આવતી નથી. વિષ્ણુની પૂજામાં હંમેશાં અક્ષતની જગ્યાએ સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષય તૃતિયાનું આટલું બધું મહત્ત્વ હોવાનું બીજું કારણ એ પણ છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુના ત્રણ અવતાર નર-નારાયણ અવતાર, પરશુરામ અવતાર અને હયગ્રીવ અવતારનું પ્રાગટ્ય થયું હતું.
લક્ષ્મીપ્રાપ્તિનો ઉત્તમ દિવસ
ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપાપ્રાપ્તિ માટે અક્ષય તૃતિયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જેઓ પોતાનું દુ:ખ, દરિદ્રતા દૂર કરીને ધન એટલે કે લક્ષ્મી મેળવવા માગતા હોય તેમણે અક્ષય તૃતિયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ એકાક્ષી નાળિયેરનું ઘરના ઈશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું આસન (કપડું) બિછાવીને સ્નાનાદિ વિધિ પૂર્ણ કરીને અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરીને વિધિવત્ સ્થાપન કરવું. તેના પર ચંદન-કંકુ પધરાવી, નાળિયેરના ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અથવા પીળા રેશમી વસ્ત્ર પર લક્ષ્મીજીનો કોઈ મંત્ર લખીને ગંગાજળ-પુષ્પ, અક્ષત તથા નૈવેદ્ય અર્પણ કરવા. મંત્રલેખન પહેલાં ધૂપ-દીપ અવશ્ય કરવા. મંત્રની માળાનો એક જાપ કરવો. આ પ્રમાણે પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઈને એકાક્ષી નાળિયેર પર 120 લાલ ગુલાબનાં ફૂલ ચઢાવવાથી નાળિયેર સિદ્ધ થયું ગણાશે. આ નાળિયેરને નિત્યપૂજા માટે પૂજાસ્થાનમાં સ્થાપિત કરવું અને નિત્ય તેનું પૂજન કરવું. આમ કરવાથી ધન-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થાય છે. લક્ષ્મીજીને ઘરમાં સ્થિર કરવા માટે તો અક્ષય તૃતિયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.
પૌરાણિક કથા
પૌરાણિક કથાઓ અનુસાર અક્ષય તૃતિયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું. આ જ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછતાં જણાવ્યું હતું કે આજના દિવસે જે પણ રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશો, તેનું પુણ્યફળ અવશ્ય મળશે. કોઈ પણ નવું કાર્ય, નવા ઘરમાં પ્રવેશ અને વેપાર-ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતિયાના દિવસે સ્નાન, ધ્યાન, જપ-તપ, હવન કરવાથી અને પિતૃતર્પણ કરવાથી તથા દાન-પુણ્ય કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
બીજી એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીનકાળમાં એક ગરીબ સદાચારી અને દેવતાઓમાં શ્રદ્ધા રાખવાવાળો વૈશ્ય રહેતો હતો. તે શ્રીમંત ખાનદાનનો હોવા છતાં પણ બહુ ગરીબ હતો અને તે દિવસ-રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો. એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષય તૃતિયાનું વ્રત કરવાની સલાહ આપી.
આ દિવસે ગંગાસ્નાન કરીને વિધિ-વિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેક ગણુ પુણ્ય મળે છે તેમ તેમણે જણાવ્યું, આ વૈશ્યએ બ્રાહ્મણના જણાવ્યા અનુસાર વ્રત કર્યું અને થોડાક જ દિવસોમાં તેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. ત્યારબાદ તે આખી જિંદગી અક્ષય તૃતિયાના દિવસે દાન-પુણ્ય કરવા માટે ધનનો કોથળો ખુલ્લો મૂકી દેતો. બીજા જન્મમાં આ વૈશ્ય કુશાવતીનો રાજા બન્યો. તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષય તૃતિયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા. પોતાની શ્રદ્ધા અને ભક્તિનો તેને લેશમાત્ર પણ ઘમંડ નહોતો અને અપાર વૈભવ છતાં તે ધર્મના માર્ગથી વિચલિત થતો ન હતો. એવી કિંવદંતી છે કે આ જ રાજા આગળ જઈને ચંદ્રગુપ્તના રૂપમાં પેદા થયો હતો


