- ભારતના 70 સૈનિકો અને બે એરક્રાફ્ટ માલદીવમાં તૈનાત છે
- માલદીવમાં કોઈ ભારતીય સશસ્ત્ર સૈનિક તૈનાત જ નથી : અબ્દુલ્લા શાહિદ
- વિવાદને કારણે ભારત-માલદીવ વચ્ચેના સંબંધોમાં તંગદિલી પ્રવર્તી
માલદીવના પૂર્વ વિદેશપ્રધાન અબ્દુલ્લા શાહિદે શનિવારે પ્રમુખ મોહમ્મદ મુઇજ્જૂ પર નિશાન સાધતાં કહ્યું કે પ્રમુખે ભારતીય સૈનિકોને મુદ્દે જે દાવો કર્યો છે તે આ મુદ્દે તેમના દ્વારા આચરવામાં આવતા જુઠ્ઠાણાની એક વધુ કડી છે. પૂર્વ વિદેશપ્રધાને દાવો કર્યો કે માલદીવમાં કોઈ ભારતીય સશસ્ત્ર સૈનિક તૈનાત જ નથી.
સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં અબ્દુલ્લા શાહિદે જણાવ્યું હતું કે,’શાસનના 100 દિવસ થઈ ગયા છે અને પ્રમુખ મુઇજ્જૂ દાવા કરી રહ્યા છે કે હજારો હથિયારબંધ સૈનિકો માલદીવમાં તૈનાત છે. તેમના દ્વારા બોલાતા જુઠ્ઠાણાની આ એક વધુ કડી છે. વર્તમાન સરકારે તૈનાત હથિયારબંધ સૈનિકોની સંખ્યા પણ જણાવી નથી. સચ્ચાઈ બધા સામે આવવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે માલદીવમાં અંદાજે ભારતના 70 સૈનિકો માલદીવમાં તૈનાત છે. આ ઉપરાંત ભારતનું એક ડોર્નિયર મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે એચએએલ ધ્રુવ હેલિકોપ્ટર પણ માલદીવમાં તૈનાત છે.
ઉપરોક્ત હકીકત વચ્ચે પ્રમુખ મુઇજ્જૂ તો પ્રમુખપદ માટે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારથી જ માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. તે સત્તા પર આવશે તો ભારતીય સૈનિકોની વાપસી કરાવશે તેવા ચૂંટણી વચનો આપ્યા હતા.
લક્ષદ્વીપ વિવાદ પછી સંબંધોમાં તંગદિલી વધી
પ્રમુખપદની ચૂંટણી જીત્યા પછી પણ મુઇજ્જૂ ભારતીય સૈનિકોની વાપસી માટે અભિયાન ચલાવી રહ્યા છે. હાલમાં બંને દેશો વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહ્યા છે. એવું કહેવાય છે કે 10 મે 2024 સુધીમાં ભારતીય સૈનિકો અને બે એરક્રાફ્ટ માલદીવથી ભારત પાછા ફરી શકે છે. તે કારણસર જ મુઇજ્જૂ ચીનનો પ્રવાસ પણ ખેડી ચૂક્યા છે, પરંતુ હજી સુધી તેઓ ભારત આવ્યા નથી. આ વિવાદને કારણે ભારત-માલદીવ વચ્ચેના સંબંધોમાં તંગદિલી પ્રવર્તી રહી છે. આ વિવાદ પછી મોઇજ્જૂ પોતાના દેશમાં પણ ઘેરાતા રહે છે.


