- મહિલા રોયલ્ટી ઈન્સ્પેક્ટને પણ ઈજાઓ પહોચી છે
- ભુસ્તરની ટીમ પર હુમલો કર્યા બાદ આરોપીઓ ભુગર્ભમાં ઉતરી
- ચિલોડા પોલીસની ટીમ આરોપીઓને ઘરે પહોંચી ત્યારે કોઈ મળ્યું
સાદરા પાસે રેતમાફિયા ભુસ્તર તંત્રની ટીમ પર હુમલો કરીને રેતી ભરેલા બે ટ્રેક્ટર છોડાવી ગયા હતા. જેમાં મહિલા રોયલ્ટી ઈન્સ્પેક્ટને પણ ઈજાઓ પહોચી છે. ભુસ્તરની ટીમ પર હુમલો કર્યા બાદ આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે.
ચિલોડા પોલીસની ટીમ આરોપીઓને ઘરે પહોંચી ત્યારે કોઈ મળ્યું ન હતું. જેને પગલે હવે પોલીસે બાતમીદારો સક્રીય કરીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. હુમલાની ઘટનાને પગલે સાદરામાં સાબરમતી નદીનો પટ્ટ સુમસાન જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં અહીં નદીનું ચિરહરણ કરતા રેતમાફીયાઓનો જમાવડો જોવા મળે છે. ધોળે દિવસે કોઇનો પણ ડર રાખ્યા વિના બેખોફ રેતચોરી કરાઈ હતી. રેતમાફીયાઓની નદીને લૂંટવાની ખુલ્લી હિંમત પાછળ ખનીજખાતાની ઢીલીનીતી જવાબદાર હોવાની ચર્ચા છે. કેટલીય વખત નદીમાં ચોરી થતી હોવા મુદ્દે ખનીજતંત્રનુ ગ્રામજનો દ્વારા ધ્યાન દોરવામાં આવતું હોવા છતા કાર્યવાહી માત્ર નામ પુરતી કરવામાં આવતી હોવાની ચર્ચા છે.
જેને પગલે હવે માથાભારે થઈ ગયેલા ખનીજ ચોરો ભુસ્તરના અધિકારીઓને પણ ગાંઠતા નથી. સાદરામાં ખનીજખાતાના અધિકારીઓ પર હુમલો કરી ટ્રેક્ટર છોડાવી જવાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે. ઘટના મુદ્દે 8 વિરુધ્ધ ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયા છે. પોલીસ શોધવા ઘરે પહોંચતાં તમામ આરોપીઓ નાસી ગયા હોવાની વિગતો છે.
આરોપીઓએ ગામના રહીશને પણ ધમકી આપી હતી
ભુસ્તરની ટીમ પર હુમલો કરનાર આરોપીઓ પૈકીના કિરણ સોગા વણઝારા, નિલેશ સોગા વણઝારા, અરુણ રમણ વણઝારા સહીતના ઇસમોએ અઠવાડીયા પહેલા જ ગામના એક રહીશને ધમકી આપી હતી. જેમાં નદીમાં તેમજ મંદિરે નહી આવવા કહીં દીધું હતું. ભુસ્તરની ટીમનો બાતમીદાર હોવાની શંકાને આધારે રેતમાફીયાઓએ તેને ટ્રેક્ટરથી કચડી નાંખવાની ધમકી આપી હતી, એટલું જ નહીં ઘરના નાકા ઉપર જઇને ફેંટ પકડી હતી. જે અંગે ચિલોડા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ ચુકી છે.


