તમને અને મને એ સમજાય છે કે આપણે આપણા સંસ્કારોથી જકડાયેલા છીએ. કેટલાક લોકો કહે છે તેમ તમે પણ જો એમ કહો કે એ અનુબંધનો અનિવાર્ય છે તો કોઈ સમસ્યા નથી; તમે ગુલામ છો, અને ત્યાં એ વાતનો અંત આવી જાય છે, પરંતુ જો તમે ખુદને એમ પૂછવાનું શરૂ કરો કે શું આ મર્યાદામાંથી બહાર આવવું સંભવ છે, તો સમસ્યા ઊભી થાય છે; આથી તમારે વિચારવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવી પડશે, શું તમારે તપાસ નહીં કરવી પડે? જો તમે માત્ર એમ કહો કે, `મારે મારી સંસ્કારબદ્ધતાથી સભાન થવું જ જોઈએ, મારે તેના વિશે વિચારવું જ જોઈએ. તેનું વિશ્લેષણ કરીને, તેને સમજીને તેનો નાશ કરવા માટે મારે તેના વિશે વિચારવું જ જોઈએ ત્યારે તમે દબાણ ઊભું કરો છો. તમારી વિચારણા, તમારું વિશ્લેષણ કરવાનું હજુયે તમારી એ રૂઢિચુસ્ત સંસ્કારબદ્ધ અવસ્થાનું જ પરિણામ છે, તો તમે તમારા વિચાર દ્વારા તમારાં સંસ્કારબંધનોને દૂર કરી ન શકો. એ સ્પષ્ટ છે, કારણ કે તમારાં સંસ્કારબંધનો તમારા વિચારનો જ એક ભાગ છે.
પહેલાં સમસ્યાને સમજો, જુઓ, સીધેસીધું એમ ન પૂછો કે જવાબ શું છે, ઉકેલ શો છે? હકીકત એ છે કે આપણે સંસ્કારબદ્ધ છીએ અને આ સંસ્કારબદ્ધતાને સમજવા માટેની સમગ્ર ક્રિયા હંમેશાં અપૂર્ણ જ રહેશે; તેથી ક્યારેય સંપૂર્ણ સમજ મળશે જ નહીં અને વિચારવાની સમગ્ર ક્રિયાની સંપૂર્ણ સમજણમાં જ મુક્તિ છે. મુશ્કેલી એ છે કે આપણે હંમેશાં મનના ક્ષેત્રમાં જ કાર્ય કરીએ છીએ, કારણ કે મન વિચારવાનું સાધન છે અને મનનું વિચારવાનું વાજબી પણ હોઈ શકે અથવા ગેરવાજબી પણ હોઈ શકે અને આપણે જોયું તેમ વિચાર હંમેશાં અપૂર્ણ હોય છે.
સ્વયંથી મુક્તિ
બધાં પૂર્વસંસ્કારોનાં બંધનોથી મનને મુક્ત કરવા માટે તમારે તેની સમગ્રતાને વિચાર વગર નીરખવી જોઈએ. આ કાંઈ કોયડો નથી; તેને અજમાવી જુઓ ત્યારે તમને ખબર પડશે. તમે ક્યારેય કોઈ પણ વસ્તુનું વિચાર વગર નિરીક્ષણ કરી જોયું છે? તમે આ પ્રતિક્રિયાની આખીયે પ્રક્રિયા વગર ક્યારેય સાંભળ્યું છે, જોયું છે? તમે કહેશો કે વિચાર વગર જોવું કે તપાસવું અસંભવ છે; તમે કહેશો કે કોઈ પણ મન પૂર્વ સંસ્કારબંધન રહિત ન હોઈ શકે. ત્યારે તમે એમ કહો છો કે તમે પહેલેથી જ તમને પોતાને વિચાર વડે બાંધી લીધી છે, તેમાં હકીકત એ છે કે તમે જાણતા નથી.
તો શું હું એવી રીતે જોઈ શકું કે જેમાં મારું મન એની પ્રતિબદ્ધતાથી સભાન હોય? શું મન પોતાની સંસ્કારબદ્ધતા પ્રત્યે સભાન થઈ શકે? મને લાગે છે કે તે થઈ શકે. મહેરબાની કરી એ પ્રયોગ કરી જુઓ. શું તમે એ વાતથી સભાન થઈ શકો કે તમે હિંદુ છો, સમાજવાદી છો, સામ્યવાદી છો, આ કે તે-ફલાણું અને ઢીંકણું- છો, તે યોગ્ય છે કે અયોગ્ય એવું કહ્યા વગર માત્ર તેનાથી સભાન થઈ શકો? કારણ કે કેવળ જોવું અથવા સભાન થવું એ એટલું મુશ્કેલ છે કે આપણે એમ કહીએ છીએ કે તે અસંભવ છે. હું કહું છું કે જ્યારે તમે તમારા સમગ્ર અસ્તિત્વની અસ્મિતાને કોઈ પણ પ્રતિક્રિયા વગર સભાન હો છો ત્યારે એ સંસ્કારબંધનોનો અંત આવી જાય છે- એ જ છે ખરેખર પોતાનાથી મુક્તિ, સ્વયંથી મુક્તિ.