- બંધ બોડીના વાહનમાં મૃત પશુ લઈ જવાયા
- ઢોરવાડામાંથી મૃત પશુઓને લઈ જવાયા અન્ય સ્થળે
- અમદાવાદમાં માલધારીઓ બેઠા ધરણા પર
અમદાવાદમાં છેલ્લા થોડાં સમયથી ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાંક પશુઓને અમદાવાદ CNDC વિભાગ દ્વારા મોટી સંખ્યામાં ઢોરવાડામાં લઈને આવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે દાણીલીમડા CNCD વિભાગની મોટી બેદરકારી સામે આવી છે.
જેમાં દાણીલીમડા ઢોરવાડામાં 30 ગાયના મોત હોવાની માહિતી સામે આવી રહી છે. જેના પગલે માલધારી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમજ માલધારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા પર ઉતર્યા છે. આ મામલે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, દાણીલીમડા ઢોરવાડામાં પશુઓની દયનીય સ્થિતિ છે. જેમાં ગૌચર જમીન સહિતની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ પણ માલધારી સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. તેમજ તેના કારણે દાણીલીમડા ઢોરવાડામાં 30 જેટલી ગાયોના મોત થયા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.
અગાઉ પણ તાજેતરમાં ગ્યાસપુર પાસેથી પશુઓના મૃતદેહ મળ્યા હતા. તેમજ હજુ ઢોરવાડામાં મૃત હાલતમાં પશુઓ હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેની સાથે જ મૃત પશુઓ હોવાથી અંદર ન જાવા દેવાતા હોવાનો આક્ષેપ છે. આ તમામ મુદ્દે જવાબદાર અધિકારી સામે FIR નોંધવાની માંગ કરવામાં આવી રહી છે.
ગાયના પેટમાંથી નીકળ્યું પ્લાસ્ટિક
જ્યારે બીજી તરફ AMC માલધારી સમાજના આક્ષેપના પગલે સીએનસીડી વિભાગ દ્વારા મૃત્યુ પામેલી ગાયોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. જેમાં મૃત્યુ પામેલી ગાયોના પેટમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને કપડા જેવી વસ્તુઓ નીકળી છે. જઠરની આસપાસ પ્લાસ્ટિક વધારે સંખ્યામાં હતું. માલધારીઓ દ્રારા રોડ પર રખડતી ગાયો મૂકી દેવામાં આવે છે. જેના કારણે ગાયો રોડ ઉપર ફેંકવામાં આવતા પ્લાસ્ટિક સહિતનો કચરો ખાય છે અને આ કારણોસર ગાયોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.


