- તંત્ર જો ધ્યાન નહીં આપે તો સ્થાનિકો કોર્ટના દ્વાર ખખડાવશે તેમ જણાવાયું
- સિમેન્ટ રેતી કપચીથી ભરેલ દિવાલોમાં કપચી-રેતી ખુલ્લી દેખાય
- દિવાલોની પાછળ રહેલી માટી પણ સાફ્ કરવામાં કે લેવલ કરવામાં આવેલ
કપડવંજથી દાણા-અનારા રોડ ઉપર આવેલ રેલવે ગરનાળાની આગળ-પાછળના રસ્તાઓની આજુ-બાજુ દિવાલોનું કામ છેલ્લા બે માસથી ચાલી રહ્યું છે. સદર કામની ગુણવત્તા જળવાતી નથી, અને સિમેન્ટ રેતી કપચીથી ભરેલ દિવાલોમાં કપચી-રેતી ખુલ્લી દેખાય છે અને તે ન દેખાય તે માટે તેની ઉપર પાછળથી સિમેન્ટકામ કરી થીગડા મારી દેવાયાના આક્ષેપો કર્યા છે.
બીજું કે રસ્તાની પહોળાઈ જે નિયમ મુજબની રાખવાની થતી હોય તે ન રાખીને આગળ-પાછળ રસ્તાની આજુ બાજુમાં આવેલ જમીનમાં ચાલતા બાંધકામના માલીકો-ભુ-માફીયા, અને રેલ્વેના સત્તાધિશો સાંઠ-ગાંઠ કરી કાયદેસરના માપ માથે ચેડા કરી રસ્તાને સાકડો બનાવી દેવામાં આવેલ છે. દિવાલોની પાછળ રહેલી માટી પણ સાફ્ કરવામાં કે લેવલ કરવામાં આવેલ નથી. અને એક સીધી દિવાલો બનાવવાની થતી હોવા છતાં વચ્ચે વળાંક આપી અકસ્માત થાય તેવી બનાવવામાં આવેલ છે. કોન્ટ્રાકટર, રેલ્વે અધિકારી અને આપણા કપડવંજના આ રસ્તાની આજુબાજુના જમીન માલીકો પોતાના સ્વાર્થ માટે મેળાપણું કરી લોકોના જીવ સામે ચેડા કરવાનો આ ખતરનાક ખેલ ખેલી રહ્યા છે, તેને કોણ અટકાવશે તેવા આક્ષેપો આ વિસ્તારના સામાજિક આગેવાન અને દાણાના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલે કર્યા છે.
વધુમાં તેમને આક્ષેપ કર્યા છે કે સદર કામના કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાએવું જણાવવામાં આવ્યું કે જેમ કામ થાય છે તેમજ થશે. ઉપલા અધિકારીને જણાવતાં તે પણ આવા જ ભળતા જવાબો આપી રહ્યા છે.જો આ બની રહેલ દિવાલોની ગુણવત્તા માપન સંસ્થા દ્વારા ચકાસણી કરાવવામાં આવે તો આ તમામ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેમ છે. તો શું આ તંત્ર આ ચાલી રહેલ કામનો લેબટેસ્ટ કરાવશે ? કે બધુ ભીનું સંકેલાઈ જશે? તે જોવું રહયું.
આ અગાઉ પણ ચોમાસાના પાણીના નિકાલ માટેની કુદરતી લાઈન બદલી જે પાણી નિકાલની જગ્યા હતી તેમાં ગેરકાયદેસર માટી પુરાણ કરી ભૂમાફ્યિાઓ દ્વારા રેલ્વેને કરોડોનું નુક્શાન કરાવેલ છે. તેની તપાસ થાય તો આ રેલ્વે અધિકારી અને આજુબાજુના જમીન માલીકો કે જે કોંક્રિટના જંગલ બનાવવાના રાજાઓ છે, તેમની સાઠ ગાંઠ ખુલ્લી પડશે.
આ અંગે હવે કોઈ તપાસ નહીં થાય,તો આ વિસ્તારના અગ્રણીઓની એક મીટીંગ ટૂંક સમયમાં બોલાવવાનું નક્કી થયેલ છે.આ મામલે હવે ચોક્કસ નિકાલ ન થાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી ચાલી રહેલ છે.


