ગીરગઢડા પંથકમાં બુટલેગર મહિલાનું આર્થીક અને શારીરીક શોષણ કરી દુષ્કર્મ કરનાર પકડાયેલા બે પોલીસકર્મીઓ, એક જીઆરડી જવાન અને એક વહીવટદારને આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે રીમાન્ડ દરમ્યાન પોલીસ આરોપીઓની સંડોવણીના મજબુત પુરાવા એકત્ર કરવાની સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવશે ત્યારબાદ શું ચોંકાવનારી હક્કીતો સામે આવશે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.
ગીર સોમનાથ પોલીસને શર્મસાર કરતી ગીરગઢડા પંથકમાં બનેલ ઘટનામાં પંથકની વિધવા મહિલા કે જે નાના બાળકોનો ઉછેર કરવાની સાથે પરીવારનું ગુજરાન ચલાવવા દેશી દારૂનો ધંધો કરતી હતી. ત્યારે SOG બ્રાંચમાં ફરજ બજાવતો સલીમ બ્લોચ, ગીરગઢડા ડી સ્ટાફમાં ફરજ બજાવતો મોહન મકવાણા, હોમગાર્ડમાં ફરજ બજાવતો હનીફ શામદાર અને પોલીસકર્મીની ખોટી ઓળખ આપનાર વહીવટદાર પરેશ ભીમા શીંગડ પીડિતા મહિલા બુટલેગર પાસેથી હપ્તો પણ ઉઘરાવાની સાથે શારીરીક શોષણ પણ કરતા હોવા અંગે ગીરગઢડા પોલીસમાં દુષ્કર્મનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
દરમ્યાન આજે મહિલા પોલીસના પીઆઈ પટેલ દ્વારા ચારેય આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસપક્ષ તરફથી દલીલોમા કહેલ કે, આરોપીઓ ક્યાં ક્યાં સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું ?, ક્યાં વાહનમાં લઈને ગયા હતા, ગુન્હા ના કામે વપરાયેલ વાહનો કબ્જે કરવા, મોબાઈલ કોલ ડીટેઈલ મેળવવા તેમજ સ્થળ પરનું રિકન્ટ્રકશન કરવા સહિતના મુદ્દા કોર્ટ સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જેની સામે કોર્ટે ચારેય આરોપીઓને બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારે રીમાન્ડ પુર્ણ થયા બાદ ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રની કડવી વાસ્તવિકતા
ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રની કડવી વાસ્તવિકતા જોઈએ તો જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળની બ્રાન્ચના જ કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત હોય તેમ છાશવારે નામજોગ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે જીલ્લા પોલીસમાં રહેલા અમુક ભ્રષ્ટ અને નિમ્ન સ્તરે પહોંચી ગયેલા કર્મચારીઓને કારણે સમગ્ર જિલ્લા પોલીસને આજે શર્મસાર થવું પડી રહ્યું છે. આવી એકાદ ઘટના નથી સમયાંતરે પોલીસની આબરૂને લાંછન લગાડતા કિસ્સા છાશવારે સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસવડા આગામી દિવસોમાં શું કરે છે તે જોવું રહ્યું.


