12 એપ્રિલની 70 વર્ષીય વૃદ્ધના મોતની ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અસંખ્ય ઈજાઓ, લીવર અને આંતરડાના ભાગે ઘા લાગવાથી મોત થયા નો ઉલ્લેખ છતાં તંત્રએ દાખવી નીભરતા
રાજકોટના મોરબી રોડ પરથી ગત 12 એપ્રિલના રોજ 70 વર્ષીય વૃદ્ધ કે જેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તે શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખાતે પીએમ કરાવાયું હતું. તેમાં અસંખ્ય ઈજાઓ અને લીવર તથા આંતરડાના ભાગે ઘા વાગવાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. છતાં નીંભર તંત્રએ અને હત્યાના બનાવો છુપાવવામાં માહિર એવી કુવાડવા પોલીસે કથિત કસ્ટોડિયલ ડેથ છુપાવવા માટે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો ન હતો. હવે આ મામલે હાઇકોર્ટની ફટકાર બાદ કુવાડવા પોલીસને હત્યાનો ગુનો દાખલ કરવો પડ્યો છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ વેલનાથપરા ૧૯ માં રહેતા અને રાજ સિક્યુરિટીમાં ફરજ બજાવતા અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરા ગત તારીખ 12/4 ના રોજ નોકરી પર જવા નીકળ્યા બાદ ગૌરીદડ ગામ પાસે આવેલા પંપથી થોડે આગળ વીડીની જગ્યા પરથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તે સમયે અમરશીભાઈના પરિવારજનોને જાણ કરાતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તે સમયે અમરશીભાઈ કહેતા હતા કે મને પડખાના ભાગે બહુ દુખે છે મને બહુ મારેલ છે અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા અને છ દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે હોસ્પિટલ સ્ટાફ દ્વારા નોંધ પણ કરવામાં આવી હતી. છતાં કુવાડવા રોડ પોલીસ દ્વારા આ વૃદ્ધનું મોત કયા કારણોસર થયું તે અંગેની કોઈ તપાસ જ કરવામાં આવી ન હતી જેથી પરિવારને પહેલેથી પોલીસ સામે શંકા હતી અને આ ઘટના હત્યાની હોવાનું તેઓ જાણતા હતા.
અમરશીભાઈના પુત્ર આનંદ અને સગા સંબંધીઓ દ્વારા ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી ત્યારે ચોકાવનારી માહિતી મળી હતી કે, 12 એપ્રિલે ગૌરીદડ ગામે યોજાયેલી સપ્તાહમાં તેમના પિતા ફરજ પર ગયા હતા 11:30 એ કોઈ માથાકૂટ થતા કંટ્રોલ રૂમને કોઈએ ફોન કરતા પીસીઆર વાન આવી હતી અને તેમાં બેઠેલા ચાર વ્યક્તિઓ અમરશીભાઈને પીસીઆર વનમાં બેસાડીને લઈ ગયા હતા. બાદમાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આથી આ ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ તે છુપાવવા માંગતી હતી. આથી આ મામલે પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી અને ઘટના હત્યાની હોવાનું તેમાં ઉલ્લેખ કરાયો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જોડવામાં આવ્યો હતો અને તે રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે વૃદ્ધને ગંભીર ઇજાઓ થવાથી આંતરડા અને લીવરના ભાગે ઘા લાગવાથી મોત થયું છે પરંતુ તંત્રની જેમ પોલીસ કમિશનર પણ આ મામલે તપાસ કરવા માટે ધગ્યા નહીં અને પરિવારને ન્યાય મળ્યો નહીં.
વૃદ્ધ ના પુત્ર આનંદ દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટ કસ્ટોડિયલ ડેથ નો ઉલ્લેખ કરી તમામ પુરાવા સાથે રજૂઆત કરાઈ હતી ત્યારે હાઇકોર્ટે પણ પોલીસને ફટકાર આપી હતી અને આ મામલે ગુનો દાખલ કરી યોગ્ય તપાસ કરવા સૂચના આપતા કુવાડવા રોડ પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગુનામાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે કે, પછી અંદરના હત્યારાઓને છુપાવવાના પ્રયાસો કરે છે.?
હત્યાના બનાવો છુપાવવામાં માહિર કુવાડવાના વિવાદિત PI સહિત 6 ની આંતરિક બદલી
તાજેતરમાં નવાગામ ખાતે ગોડાઉનમાં બનેલી હત્યાની ઘટનાને સામાન્ય મોતની ઘટનામાં ખપાવી ગુનાહિત બેદરકારી આચરનાર અને મોરબી રોડ પર 70 વર્ષના વૃદ્ધના રહસ્ય મોત મામલે હાઇકોર્ટની ફટકાર બાદ નમતું જોખનાર કુવાડવા પોલીસ મથકના પીઆઇ સહિત છ પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કુવાડવા પોલીસ મથકના વિવાદિત પીઆઇ વી આર રાઠોડને IUCAW વિભાગમાં શેકી દેવામાં આવ્યા છે જ્યારે તેની સામે IUCAW ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન રાઠોડની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ગઢવીની પણ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. તેની સામે ટ્રાફિક શાખાના બે પીઆઇ એમ.જી વસાવાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને બી.પી રજિયાની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ બી.બી.જાડેજાને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે અને બોટાદ થી પ્રોફેશનલ પિરિયડમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર કે એ દેસાઈને એ ડિવિઝનના સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે અને આ ઉપરાંત તેને સામાજિક સલામતી સ્કવોડનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે