કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
ડીસીપી ક્રાઈમ સામે લગાવેલા આક્ષેપ બાદ તપાસમાં થયો મોટો ખુલાસો; નિવેદનોમાં વિસંગતતા સામે આવતા આગામી દિવસોમાં મામલો વળાંક લે તેવી પૂરી સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલો કથિત પત્રકાર સુરેશ વડેચાનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. શહેરના ડીસીપી ક્રાઈમ સામે લગાવાયેલા ગંભીર આક્ષેપો અંગે કરાયેલી તબીબી તપાસમાં કોઈ પુરાવો ન મળતા સમગ્ર ઘટનાક્રમ પર સવાલો ઊભા થયા છે. કથિત પત્રકાર સુરેશ વડેચાએ આરોપ મૂક્યો હતો કે તેને સાથે પોલીસ દ્વારા ઢોર મારા મારી કરવામાં આવી હતી અને બાદમાં તેના ગુદાના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યું હતું, જેના કારણે તે અસહ્ય પીડા અનુભવી રહ્યો છે. આ આક્ષેપો સામે આવતા જ મામલો ગરમાયો હતો અને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ હતી.
વડેચા 23 માર્ચના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેણે ડોક્ટરને આપેલી માહિતી મુજબ, તેને કેટલાક શખ્સોએ બેલ્ટ અને પાઇપ વડે માર માર્યો હતો, જેના કારણે શરીરના વિવિધ ભાગોમાં દુઃખાવો થતો હોવાનું જણાવ્યું હતું. જોકે, તે સમયે તેણે પોતાના ગુદાના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યું હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
આ પછી 27 માર્ચના રોજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોસ્પિટલમાં તેને મળવા પહોંચ્યા ત્યારે વડેચાએ પ્રથમ વખત જાહેરમાં ગંભીર આક્ષેપ કર્યો કે ડીસીપી ક્રાઈમ દ્વારા તેના પર અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને ગુદાના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યું હતું. આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો હતો અને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી.
આક્ષેપોની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. 28 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલના તબીબોએ સુરેશ વડેચાનો વિગતવાર મેડિકલ ચેકઅપ કર્યો હતો. જેમાં સ્પષ્ટ થયું કે તેના ગુદાના ભાગે કોઈપણ પ્રકારનું પેટ્રોલ કે દહનકારક પદાર્થ વપરાયેલ હોવાના કોઈ નિશાન મળ્યા નથી. ઉપરાંત, શરીરના તે ભાગમાં બર્ન, બ્લીડિંગ અથવા ગંભીર ઇજાના પુરાવા પણ જોવા મળ્યા નથી. આ તબીબી રિપોર્ટ બહાર આવ્યા બાદ વડેચાના આક્ષેપો અંગે ગંભીર શંકા ઊભી થઈ છે. ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ સમયે અને બાદમાં આપવામાં આવેલા નિવેદનો વચ્ચેનો વિરોધાભાસ આ મામલાને વધુ શંકાસ્પદ બનાવે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેશ વડેચા અગાઉથી જ કથિત પત્રકાર તરીકે ઓળખાતો હતો અને તેના વિરુદ્ધ ખંડણી જેવી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી સામે આવી રહી છે. પોલીસ હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આક્ષેપોની પાછળના હેતુને પણ ખંગાળી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને અર્ધસત્યની અસર અંગે પણ ચેતવણી આપી છે. પ્રાથમિક માહિતીના આધારે બનેલા મત અને પ્રતિક્રિયાઓ ઘણીવાર સત્ય સામે આવતા બદલાઈ જાય છે, તે આ કિસ્સામાં સ્પષ્ટ થયું છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ ચાલુ રાખી છે. આગામી દિવસોમાં વધુ તથ્યો સામે આવે તેવી શક્યતા છે, ત્યારે આ મામલો હજુ વધુ સ્પષ્ટ બનશે.
ધારાસભ્ય મેવાણીએ કહ્યું હતું કે, પુરાવા હોય તો કાર્યવાહી કરો : હવે મેડિકલ રિપોર્ટએ સત્ય સાબિત કરી દીધું
રાજકોટમાં કથિત પત્રકાર સુરેશ વડેચાના આક્ષેપો મામલે મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. આ મામલે અગાઉ જાહેર મંચ પરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જો સુરેશ વડેચા સામે કોઈ પુરાવા હોય તો પોલીસ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરે તેમાં તેમને કોઈ વાંધો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ગુનામાં સંડોવાયેલ હોય તો તેના સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ માનવ અધિકારોના ઉલ્લંઘન જેવી ગંભીર બાબતો સામે પોતાનો વિરોધ યથાવત રહેશે. ખાસ કરીને ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવા જેવી વાત સામે તેમણે અગાઉ કડક પ્રતિક્રિયા આપી હતી. હવે સિવિલ હોસ્પિટલના તબીબી અભિપ્રાયમાં આવા કોઈ બનાવના પુરાવા ન મળતાં સુરેશ વડેચાના આક્ષેપો શંકાના ઘેરામાં આવી ગયા છે. આ પરિસ્થિતિમાં આગળ શું પગલાં લેવાશે તે સંપૂર્ણપણે પોલીસ તંત્રના નિર્ણય પર નિર્ભર છે.
હાલ પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અંગે વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે.


