સભાનતા એ મનની એવી અવસ્થા છે કે જેમાં તે બધી વસ્તુઓને આવરી લે છે. આકાશમાં ઊડતો કાગડો, વૃક્ષો પરનાં ફૂલો, સામે બેઠેલા લોકો, તેમણે પહેરેલાં રંગીન વસ્ત્રો, બધી વસ્તુથી કે જેમાં પાંદડાંનું, થડના આકારનું કોઈ બીજાના આકારનું, તે શું કરે છે તેનું નિરીક્ષણ કરવાનો, તેનું અવલોકન કરવાનો અને સભાન હોવાથી તેના પર ધ્યાન આપવાનો સમાવેશ થાય છે.
આમ, અનન્ય રીતે સભાન હોવું અને એ રીતે સભાનપણે ક્રિયા કરવી એ પોતાના અસ્તિત્વની સમગ્રતાથી સભાન થવું છે. કેવળ આંશિક ક્ષમતા હોવી, ક્ષમતાના ટુકડા હોય કે ક્ષમતા ટુકડામાં હોય અને તે ક્ષમતાની પાછળ પડવું અને તે મર્યાદિત ક્ષમતા દ્વારા અનુભવ મેળવવો, તે મનની ગુણવત્તાને ઊતરતી કોટિનું, મર્યાદિત અને સંકીર્ણ બનાવે છે, પરંતુ પોતાના અસ્તિત્વની સમગ્રતા ધરાવતી સભાનતા, પ્રત્યેક વિચાર અને પ્રત્યેક લાગણી તરફ સભાનતાથી મેળવેલી સમજ મનની ગુણવત્તાને ક્યારેય મર્યાદિત નથી કરતી. તે દરેક વિચારને અને દરેક લાગણીને પૂરી વિકસવા દેતી હોય છે, તેનું પુષ્પીકરણ થવા દેતી હોય છે અને તેથી સભાન હોય છે, જે મર્યાદિત ધ્યાનથી, ક્ષમતાથી બિલકુલ અલગ
હોય છે.
વિચારને પૂરેપૂરો વિકસવા દેવા માટે અથવા લાગણીનું પુષ્પીકરણ થવા દેવા માટે અવધાન-ધ્યાન હોવું જરૂરી છે, એકાગ્રતા નહીં. મારા કહેવાનો અર્થ એ છે કે વિચારને બુદ્ધિગમ્ય કરીને, તેને સ્વતંત્રતા આપીને શું થાય તે જોવું, તમારા વિચાર પર શી અસર થાય છે તે જોવું, તમારી લાગણી પર શી અસર થાય છે તે જોવું. જે વિચાર કે લાગણીનું પુષ્પીકરણ થતું હોય તેને સ્વતંત્રતા તો મળવી જ જોઈએ, તેને પ્રકાશ તો મળવો જ જોઈએ, તેને મર્યાદિત ન કરી શકાય. તમે તેનું મૂલ્ય આંકી ન શકો અને એમ ન કહી શકો કે, `તે સાચું છે, તે ખોટું છે; આમ હોવું જોઈએ અને તેમ ન હોવું જોઈએ.’ એવું કરીને તમે વિચારના પુષ્પીકરણને મર્યાદિત કરો છો અને આવી સભાનતામાં જ તેનું પુષ્પીકરણ થઈ શકે. તેથી જો તમે તેમાં બહુ ઊંડા ઊતરો તો તમને જણાશે કે વિચારનું આ પુષ્પીકરણ જ વિચારનો અંત લાવવા બરાબર છે.