- કેનેડિયન સમુદાયે કેનેડામાં ઊભા થઈ રહેલા માહોલ બાબતે ભારે ચિંતા વ્યક્ત કરી
- લાભ માટે રાજનીતિ કરવી કેનેડાના ભવિષ્યના હિતમાં નથી
- મલિકે કહ્યું કે આવા લોકોની સામે આવવું પડશે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે, એવામાં ભારતીય-કેનેડિયન સમુદાયના એક મુખ્ય સભ્યએ કેનેડામાં ઊભા થઈ રહેલા માહોલ બાબતે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ માહોલે જ ખાલિસ્તાન ચરમપંથીઓને હિંસા કરવા, તેમનો વિરોધ કરનારાઓને ડરાવવા-ધમકાવવા માટે સક્ષમ બનાવ્યા છે. કેનેડા ભારતીય સંગઠનના રાષ્ટ્રીય સંયોજક રિતેશ મલિકે ચેતવણીના સૂરમાં કહ્યું કે થોડા સમયના લાભ માટે રાજનીતિ કરવી કેનેડાના ભવિષ્યના હિતમાં નથી. તેમણે કહ્યું, આપણે એક દેશ તરીકે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, જે આપણો ચાર્ટર અધિકાર છે, એવા લોકોને આપવાની દિશામાં કામ કરી રહ્યા છીએ જેઓ બીજાની સ્વતંત્રતાને માનતા નથી.
કેનેડામાં ખાલિસ્તાન ચરમપંથીઓનો ઉલ્લેખ કરતાં મલિકે કહ્યું કે તે લોકો સમાજમાં ફાટ પાડવાની કોશિશ કરી રહ્યા છે. આ તત્ત્વો નાપાક એજન્ડા સાથે કામ કરે છે અને બંને દેશ વચ્ચેના સંબંધો બગાડવામાં પ્રવૃત્ત છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા બધા માટે હોવી જોઈએ, પણ, દુર્ભાગ્યે કેનેડામાં એવા પ્રકારની ઇકોસિસ્ટમ બનાવી છે કે જેમાં લોકો ખૂબ મૂર્ખ, ખૂબ હિંસક, બહુ આક્રમક છે, અને તેઓ કોઈને નથી છોડતા.
આવા લોકો સામે બોલવું પડશે
મલિકે કહ્યું કે આવા લોકોની સામે આવવું પડશે. બધા લોકો તેમની વિરુદ્ધ સામે આવો. આ લોકો માનવતાને ખતમ કરવા માટે જોર કરશે, ધમકાવશે, દરેક રીતો અપનાવશે. તેમણે કહ્યું કે અમેરિકા, કેનેડા, અને બ્રિટનના શીખો સામે આવ્યા છે અને તે લોકોએ સ્પષ્ટ કહ્યું કે તેઓ ખાલિસ્તાનની વિચારધારામાં નથી માનતા અને સમર્થન નથી કરતા.