- ફ્રેન્ચ પત્રકાર ફ્રાન્સવા ગોટિયરે હિંદુ સમુદાય સંબંધમાં મોટું નિવેદન
- હિંદુ કટ્ટરવાદ ઇસ્લામિક કટ્ટરવાદ જેવો ખતરનાક નથી : ગોટિયર
- ગોટિયરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત વિશ્વ સાંસ્કૃતિક ઉત્સવમાં પણ ભાગ લીધો
ફ્રેન્ચ પત્રકાર ફ્રાન્સવા ગોટિયરે હિંદુ સમુદાય સંબંધમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ હજી લઘુમતી જેવી માનસિકતા ધરાવે છે અને ભાઈચારાની ખોટ છે. ફ્રાન્સવા ગોટિયર વર્તમાનમાં તેમના દ્વારા ભારતના મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ઊભા થયેલા છત્રપતિ શિવાજી મ્યુઝિયમ માટે અમેરિકામાં નાણાકીય ભંડોળ એકઠું કરી રહ્યા છે. તેમણે અમેરિકાના આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત વિશ્વ સાંસ્કૃતિક ઉત્સવમાં પણ ભાગ લીધો હતો.
એક મુલાકાતમાં ગોટિયરે કહ્યું હતું કે,’ઇતિહાસમાંથી પદાર્થપાઠ એ શીખવાનો છે કે હિંદુઓએ લડત આપવી જોઈએ. વિશ્વમાં આજ પણ હિંદુ ધર્મ પર હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાન હોય કે પછી અફઘાનિસ્તાન હોય કે પછી ખ્રિસ્તી મિશનરીઝ દ્વારા થતું ધર્માંતરણ હોય, આ તમામ બાબતો ભારત માટે મોટી સમસ્યા છે. ખાસ કરીને દક્ષિણ ભારત અને પંજાબમાં આ સમસ્યા છે. કહી શકાય કે કેબલ ટીવીના માધ્યમથી ભારતનું પશ્ચિમી કરણ પણ થઈ રહ્યું છે.’
વિશ્વ સ્તરે હિંદુઓની સ્થિતિ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ‘વિશ્વમાં તમામ સ્થાને સરકારો દ્વારા ભારત વિશે લોકોમાં જાગૃતિ લાવવા ભારતના જાણકારોને મોકલવામાં આવે છે. તે લોકો કહે છે કે હિંદુ કટ્ટરવાર ઇસ્લામિક કટ્ટરવાદ જેટલો જ ખતરનાક છે. આ વાત બિલકુલ સાચી નથી. કેમ કે હિંદુ કદી ભારતની બહાર નથી ગયો. ખ્રિસ્તી ધર્મે જેવું દક્ષિણ અમેરિકામાં કર્યું તેમ હિંદુ ધર્મે કદી બહાર જઈને પોતાનો અલગ ધર્મ નથી સ્થાપ્યો.
શિવાજીની પ્રશંસા
શિવાજી મહારાજ મ્યુઝિયમ વિશે વાત કરતાં ગોટિયરે કહ્યું કે,’હું તેમનું સન્માન કરું છું કારણે તેઓ અસાધારણ સાહસ ધરાવતા હતા. પરંતુ હિંદુઓ પર એટલો અત્યાચાર થયો, એટલી ક્રૂરતાથી હુમલા થયા , હત્યા અને દુષ્કર્મ થયા કે હિંદુઓ આજે પણ ડરની માનસિકતા ધરાવે છે.’