રાજા સોમચંદ્રની એક પરંપરા હતી. એમના પૂર્વજો રાજા હોવા છતાં સંન્યાસીની જેમ જીવતા હતા. એમના માથે સફેદ વાળ આવે એ પહેલા એ સંયમી બની જતા. રાજા સોમચંદ્ર અને એમનાં રાણી ધારીણી એકવાર સંધ્યા સમયે ગવાક્ષમાં બેઠાં બેઠાં વાર્તા વિનોદ કરી રહ્યાં હતાં
રાણી અચાનક બોલી, `મહારાજ દૂત આવ્યો છે.’ રાજા એકદમ સતર્ક થઇ ગયા અને આસપાસ જોવા લાગ્યા ક્યાં છે? `ક્યાં છે દૂત?’
રાણી એકદમ હસી પડી અને માથાનો એક વાળ કાઢીને કહ્યું, `આ `દૂત’ આવ્યો છે એ સમાચાર આપે છે કે વૃદ્ધાવસ્થા આવી રહી છે.’
`ઓહ! સાચી વાત છે. અત્યાર સુધી રાજ્યના લોભમાં હું સમજી ન શક્યો, પણ હવે મારો સમય પાકી ગયો છે. હવે હું રાજ્યમાં બેસી ન શકું.’
આમ કહીને પુત્ર પ્રસન્નચંદ્રને પોતનપુરનું રાજ્ય સોંપીને પોતે સંન્યાસી બનીને જંગલમાં ઝૂંપડી બાંધીને રહે છે. રાજા બધું છોડીને ચાલી જાય ત્યારે પતિવ્રતા નારી ધારીણી પણ પતિના પગલે સંસાર ત્યાગ કરીને જંગલની વાટે નીકળી પડી. રાજમહેલ છોડીને જંગલમાં એક નાની શી કુટિર બનાવીને બેય જણા પરિવ્રાજક તરીકે રહે છે.
ધારીણીએ જ્યારે જંગલની વાટ પકડી એ સમયે એ સગર્ભા હતી, પણ આ વાત એણે છુપાવી રાખેલી, કારણ કે એ વાતની જાણ જો રાજર્ષિને થઈ જાય તો એ આવવા દેશે નહીં. સમયે એણે બાળકને જન્મ આપ્યો. જંગલમાં જન્મ થયો અને ઝાડ-પાનનાં વસ્ત્રો પહેરવાના કારણે એનું નામ વલ્કલગીરી પાડવામાં આવેલું. વલ્કલગીરી જંગલમાં રહીને વધી રહ્યો છે. આ સમાચાર પોતનપુરમાં રાજા પ્રસન્નચંદ્રને મળ્યા. એને વિચાર આવ્યો, રાજ્ય ઉપર જેટલો મારો અધિકાર છે એટલો જ મારા નાના ભાઈ વલ્કલગીરીનો પણ છે. સમજાવી પટાવીને વલ્કલગીરીને નગરમાં બોલાવી લીધો. બેય ભાઈઓ સારી રીતે રહે છે, પણ એક દિવસ એને એનું બાળપણ, જંગલ, માતા અને પિતા યાદ આવ્યાં. એક દિવસ એ તો ભાઈની રજા લીધા વગર જ જંગલમાં પહોંચી ગયો.
જંગલમાં ઝૂંપડી તો એની એ જ હતી, પણ થોડી જીર્ણ થઈ ગયેલી. સોમચંદ્ર રાજર્ષિ વૃદ્ધ થઈ ગયા છે. કમંડળનો ઉપયોગ કેટલાય દિવસોથી થયો નહીં હોય એટલે એના ઉપર રેતીના થર જામી ગયેલા હતા. રેતીના થરને દૂર કરવા માટે તપાસ કરી રહ્યા હતા તો એમના હાથમાં એક મયૂરપીંછ આવી ગયું. એનાથી એ ધીમે ધીમે રેતીના થર સાફ કરી રહ્યા છે.
સાધુ મહાત્મા આ જ રીતે પોતાના પાત્ર વગેરેને પૂજતા હોય એ જ રીતે એ પૂજી રહ્યા છે. પૂજતાં પૂજતાં એમને પોતાના પૂર્વભવનું સ્મરણ થઈ ગયું. એમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એના આધારે એ પોતાના પૂર્વભવને જોઈ રહ્યા છે. સાધુપણાના એ ભવમાં એ કેવી રીતે વસ્ત્ર પાત્ર વગેરેનું પડિલેહણ (સાધુ મહાત્માને વસ્ત્ર, પાત્ર વગેરે દિવસમાં બે વાર નિરીક્ષણ કરવાના હોય. એમાં કોઈ જીવ આવી ન જાય કે એને કોઈ જાતની તકલીફ ન થાય એ માટે) કરતા હતા. એ ભાવમાં ઊંડા ઊતરી ગયા. એવા ઊંડા ઊતર્યા કે એ જ સમયે એમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આખા જગતનો બધો એમને બોધ થાય છે.
પ્રસન્નચંદ્ર રાજાને પણ આ સમાચાર મળ્યા. એ તમામ કામોને એક તરફ કરીને વલ્કલગીરી મુનિને વંદન કરવા માટે ગયો. એમની સાથે નગરનાં નર-નારીઓ વગેરે કેવલજ્ઞાની ભાઈ મહારાજને વંદન કરવા અને એમનો બોધ સાંભળવા ગયા.
આટલા બધા માણસો આવેલા જોઈને એ મહાત્માએ બધાને ઉપદેશ આપ્યો. ઉપદેશનો સાર તો એવો જ હોય કે તમે તમારા જીવનમાંથી પાપને દૂર કરવાનો પ્રયત્ન કરો અને પુણ્યના કામો કરવાનો પ્રયત્ન કરો. ગુરુ ભગવંતની વાત સાંભળીને ઘણા બધા આત્માઓએ એમના જીવનની દિશા બદલવાનો નિર્ણય કર્યો. પ્રસન્નચંદ્ર રાજા પણ વિચાર કરે છે, મારા પિતાએ રાજ્યનો ત્યાગ કર્યો. રાજર્ષિ બન્યા. મારા નાના ભાઈએ સંસારનો ત્યાગ કર્યો અને કેવલજ્ઞાની બન્યા, તો હવે મારે પણ શા માટે સંસારમાં પડ્યા રહેવું જોઈએ?
એમના એક નાનકડા દીકરાને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને દીક્ષા લઈને ભગવાન મહાવીર પાસે એ પહોંચી ગયા. ઉત્કૃષ્ટ તપ કરે છે. વિશિષ્ટ પ્રકારની યૌગિક પ્રક્રિયામાં સ્થિર થઈ ગયા છે. સતતપણે પોતાની આત્મા સાધનામાં આગળ વધી રહ્યા છે.
એક વાર ભગવાન મહાવીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર ઉદ્યોગનમાં બિરાજમાન હતા. દેવોએ સમવસરણની રચના કરી છે. શ્રોણિક રાજા ઘોડા ઉપર બેસીને ભગવાનનાં દર્શન વંદન કરવા માટે આવી રહ્યા છે. એ સમયે એક મહાત્મા પગની આંટી મારીને ઊભા છે. એમના બંને હાથ એમના માથા ઉપર સીધા રાખેલા છે. ચહેરો શાંત અને સૌમ્ય છે. તપના વિશિષ્ટ તેજથી ચહેરો ચમકી રહેલો છે. એમને જોઈને શ્રોણિકથી સહસા હાથ જોડાઈ ગયા.
આગળ વધીને સમવસરણમાં ગયા. મનમાં નક્કી કરેલું કે આવા સરસ ત્યાગી તપસ્વી મહાત્મા આવતા ભવમાં ક્યાં ઉત્પન્ન થશે? સ્વાભાવિક આવો પ્રશ્ન તો થાય જને! સમવસરણમાં ભગવાન દેશના-પ્રવચન આપી રહ્યા છે. દેવો, દાનવો, રાજાઓ, શ્રામણો-શ્રામણીઓ અરે પશુઓ પણ પોતાના જાતિ વેરને ભૂલીને દેશના સાંભળી રહ્યાં હતાં. મહારાજા શ્રોણિક પણ ભગવાનની દેશના સાંભળી રહ્યા છે. જ્યારે ભગવાનની દેશના વિરામ પામી ત્યારે એણે ભગવાનને પૂછ્યું, ભગવાન, આજે હું આવતો હતો એ સમયે પેલા મહાત્મા ઊભા ઊભા કેવા સરસ ધ્યાનમાં તલ્લીન હતા. એ મહાત્મા અત્યારે દિવંગત થાય તો એ કઈ ગતિમાં જાય?
પ્રશ્ન તો બરાબર છે, પણ ઘણીવાર અંદરની અને બહારની પરિસ્થિતિ સરખી નથી હોતી. ઘટના એવી બનેલી કે શ્રોણિકે વંદન કર્યાં એની પાછળ બે સૈનિકો આવી રહ્યા હતા. એ બંને પરસ્પર વાતો કરતા હતા. એકે કહ્યું કેવું સરસ આમનું જીવન છે, કેવી સરસ સાધના છે. આવી સરસ સાધના એમને આધ્યાત્મિક ઊંચાઈ આપશે. બીજો એના કરતાં થોડો વધારે જાણકાર હતો. એ આ મહાત્માનો ભૂતકાળને જાણતો હતો. એણે પોતાનું જ્ઞાન પેલા સામે છતું કર્યું, શું ધૂળ ઊંચાઈ આપશે? સામાન્ય વહેવારની વાત તો એ સમજ્યા નહીં. પોતે દીક્ષા લીધી. નાના કુમારને રાજ્ય સોંપી દીધું. સીમાડાના રાજાઓ એમના ઉપર હલ્લો કરવાની તૈયારીમાં છે. નાનો બાલરાજા કેવી રીતે રાજ્યને સંભાળશે? આટલો વિચાર ન કરવો જોઈએ? ભઈ, કામ તો બધાના કામ કરતા જ હોય.
આ બે સૈનિકોની વાતો પ્રસન્નચંદ્ર રાજર્ષિના કાનમાં પડી. એમને વિચાર આવ્યો, આ લોકોની વાત સાચી છે અને માનસિક યુદ્ધ ચાલુ થઈ ગયું. સામે આટલા રાજાઓ, આટલું મોટું સૈન્ય, બધાને મારે સાફ કરવાનું. આવા હિંસક વિચારોનું ઘોડાપૂર ઊમટ્યું છે. એ જ સમયે શ્રોણિક રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો. અત્યારે દિવંગત થાય તો એ મહાત્માની કઈ ગતિ થાય? ભગવાને કહ્યું સાતમી નરક.
મારવાના ક્રૂર ભાવો આપણે તો જોઈ શકીએ નહીં. શ્રોણિક વિચાર કરે છે, ક્યાંક મારા સાંભળવામાં ભૂલ થઈ હશે એટલે ફરીને એ જ પ્રશ્ન દોહારાવ્યો.
ભગવાન હમણાં એ મહાત્મા દિવંગત થાય તો કઈ ગતિ થાય?
અને ભગવાને જવાબ આપ્યો છઠ્ઠી નરકે જાય.
વિચારધારા મારવાની છે, પણ જથ્થો ઘટી રહ્યો છે. એમ વિચારધારા એવી છે કે હવે આટલા જ છે. એના કારણે એનાં ઘાતક પરિણામોમાં પણ ફરક પડી રહ્યો છે. પરિણામે ભગવાન પણ એમના જવાબમાં ફેરફાર કરી રહ્યા છે. પાંચમી, ચોથી એમ કરતાં આગળ વધી રહ્યા છે.
આમનું માનસિક યુદ્ધ ચાલુ છે. પોતાની પાસેનાં તમામ શસ્ત્રોનો યુદ્ધના મેદાનમાં એક એક કરીને ઉપયોગ કરી રહ્યા છે. બધાં શસ્ત્રો વપરાઈ ચૂક્યાં છે. કશું જ બચ્યું નથી.
અને એક યોદ્ધો સક્ષમ બનીને પોતાની સામે ઊભો છે. હવે એના માટે શું કરવું? શસ્ત્ર તો એક પણ નથી, પણ પોતાના માથા ઉપર મુગટ બચેલો છે. બીજું શસ્ત્ર નથી તો મુગટનો જ શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો પડશે એમ વિચારીને માથા ઉપરના મુગટને લેવા માટે માથા ઉપર હાથ મૂક્યો. હાથમાં મુગટ તો ન આવ્યો, પણ વાળ વગરનું મસ્તક હાથમાં આવ્યું.
હવે એમને વિચાર આવ્યો, અરે! હું સામાન્ય માણસ છું કે સાધુ છું? મારાથી આવું યુદ્ધ કરાય? આવી ક્રૂરતાના કારણે મેં કેવા ભયંકર વિચારો કર્યા? આવા વિચારોના કારણે મેં કેવાં કેવાં કર્મો બાંધ્યાં હશે? એનાથી હું ક્યારે મુક્ત બનીશ?
આવી રીતે એમના વિચારોને એમણે યુટર્ન આપ્યો હશે એના આધારે ભગવાને પણ પોતાના જવાબમાં ફેરફાર કરેલો – પહેલા દેવલોક. બારમા દેવલોકે. દેવલોકમાં સર્વશ્રેષ્ઠ અંતિમ – સર્વાર્થા સિદ્ધ વિમાન નામના દેવલોકમાં આટલી વાત હજુ તો થઈ જ રહી છે અને દેવોએ દુંદુભીનો દૈવીનાદ કર્યો. બધાએ પૂછ્યું શું થયું પેલા મહાત્માને કેવલજ્ઞાન સંપ્રાપ્ત થયું છે?
અને એ સમયે ભગવાને આખી ઘટનાનો મર્મ બતાવ્યો. વિચારધારાના કારણે માણસ કેવાં ભયંકર કર્મો બાંધી શકે છે? ભગવાને કહ્યું, સાતમી નરકે જ્યાં સુધી આપણે નીચે ઊતરી શકીએ છીએ અને એ જ વિચારધારાના કારણે માણસ છેક સિદ્ધ વિમાન જ નહીં, પણ સર્વકર્મથી મુક્ત થવા સ્વરૂપ મોક્ષ સુધી પણ જો માણસ પહોંચી શકતો હોય તો આપણે આપણી માનસિકતાને શા માટે નિમ્ન કક્ષાની રાખવી જોઈએ? આપણી વિચારધારાને બદલીએ.