- સહેરાવતે ચીનના ખેલાડી જો વાનહાઓને 10-0થી પરાજય આપ્યો
- ઓલિમ્પિક ખેલાડી દીપક પુનિયા (86 કિગ્રા) અને યશ (74 કિગ્રા) મેડલ જીતવામાં સફળ રહ્યા નહોતા
- પહેલો મેડલ જીતવા માટે વાનહાઓને ટેક્નિકલ શ્રેષ્ઠા(10-0)ના આધારે પરાજય આપ્યો હતો
વર્તમાન એશિયન ચેમ્પિયન અમન સહેરાવતે જાગરેબ ઓપન કુસ્તી ટૂર્નામેન્ટમાં પુરુષોના 57 કિલોગ્રામ વજન કેટેગરીમાં ચીનના જો વાનહાઓને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ગયા વર્ષે બ્રોન્ઝ મેડલ જીતનારા સેહરાવતે બુધવારે રાત્રે રેન્કિંગ સિરીઝની 2024ની આવૃત્તિમાં પહેલો મેડલ જીતવા માટે વાનહાઓને ટેક્નિકલ શ્રેષ્ઠા(10-0)ના આધારે પરાજય આપ્યો હતો. ગોલ્ડ મેડલની રાહતમાં સહેરાવતે ક્વાર્ટર ફાઇનલમાં યુએસએના જેન રિચડ્ર્સને સમાન અંતરથી હરાવ્યા બાદ સેમિફાઇનલમાં જ્યોર્જિયાના રોબર્ટી ડિંગશવિલીને 11-0થી પરાજય આપ્યો હતો. ભારતીય ખેલાડીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં તુર્કીના મુહમ્મત કરાવુસ પર 15-4થી શાનદાર જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઓલિમ્પિક ખેલાડી દીપક પુનિયા (86 કિગ્રા) અને યશ (74 કિગ્રા) મેડલ જીતવામાં સફળ રહ્યા નહોતા. પુનિયાને ક્વોલિફિકેશન રાઉન્ડમાં કઝાકિસ્તાનના અજામત દોલેટબેકોવ સામે 2-6થી હારનો સામનો કરવો પડયો હતો. જોકે, દોલેટબેકોવ ફાઇનલમાં પહોંચ્યો હતો અને રેપચેઝ રાઉન્ડના માધ્યમથી ભારતને બ્રોન્ઝ મેડલ જીતવાની તક આપી હતી.


