- જો તમે સુખાકારી શોધી રહ્યા હોવ, તો પૂનમ ખાસ છે. જો તમે મુક્તિ શોધી રહ્યા હોવ, તો અમાસ ખાસ છે
અમાસનો અર્થ છે ચંદ્ર વિનાનો દિવસ કે નવા ચંદ્રનો દિવસ. જ્યારે પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ ગેરહાજર હોય, તે ગેરહાજરી વડે, તે વ્યક્તિની હાજરી વધારે શક્તિશાળી બને છે. તેવી જ રીતે ચંદ્ર સાથે, તેની ગેરહાજરી તેને પહેલાં કરતાં વધુ હાજર બનાવે છે. કોઈ પણ બીજા દિવસે, પૂનમ પર પણ તે ત્યાં હોય છે, પણ અમાસ પર, તેની હાજરી ને તેના ગુણો પૂનમથી પણ વધુ અનુભવાય છે.
જો તમે સુખાકારી શોધી રહ્યા હોવ, તો પૂનમ ખાસ છે. જો તમે મુક્તિ શોધી રહ્યા હોવ, તો અમાસ ખાસ છે. તેવી જ રીતે જીવનના તે બે પરિમાણો માટે વિવિધ પ્રકારના યોગાભ્યાસો અને સાધનાઓ છે. અમાસ પર પૃથ્વી એક પ્રક્રિયામાંથી પસાર થાય છે. તત્ત્વોનું એક ચોક્કસ સંઘટન થાય છે, જેથી ધરતી પર જીવન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ એક જબરદસ્ત તક છે, કેમ કે આ દિવસે જીવનનું સંઘટન વધુ સારી રીતે થાય છે. જ્યારે બધું જ સારી રીતે ચાલતું હોય, ત્યારે તમને ખબર નથી પડતી કે શરીરમાં શું ચાલી રહ્યું છે. શરીર બસ તમે જ છો, પણ જ્યારે બધું ધીમું પડે છે, તો તમે તમારા શરીરને સ્પષ્ટપણે જોઈ શકો છો. દાખલા તરીકે, જ્યારે તમને એક નાની બીમારી પણ થાય છે, અચાનક શરીર એક સમસ્યા બની જાય છે અને તમારે તેના પર ધ્યાન આપવું પડે છે. ફક્ત જ્યારે તે સારી રીતે કામ નથી કરતું, ત્યારે તમે જાણો છો કે `આ હું નથી, આ બસ મારું શરીર છે જે મને ત્રાસ આપી રહ્યું છે.’ બહુ સ્પષ્ટપણે, એક અંતર ઊભું થાય છે.
અમાસનું આ મહત્ત્વ છે. તે દિવસે, કેમ કે તત્ત્વોનું એક ચોક્કસ સંઘટન થઈ રહ્યું છે, બધું જ ધીમું પડી જાય છે. આ તે દિવસ છે જ્યારે વ્યક્તિ તેના વિશે સરળતાથી જાગરુક બની શકે છે કે, `હું શું છું અને હું શું નથી.’ અને ત્યાંથી, અસત્યથી સત્ય સુધીની યાત્રા શરૂ થાય છે. અમાસથી પૂનમ સુધી, દર મહિને આ તક કુદરતી રીતે સર્જાય છે. જે લોકો સાવ અજાગરૂક છે તેમના માટે પણ, દર અમાસથી શરૂ કરીને આગળના દિવસો સુધી એક કુદરતી તક હોય છે. જે લોકો પૂરેપૂરા વિસર્જિત થવા માંગે છે, તેમના માટે અમાસ જબરદસ્ત છે.
તમે સાંભળ્યું હશે કે જો લોકો માનસિક રીતે થોડા અસંતુલિત હોય, તો પૂનમ અને અમાસ પર તેઓ તેવા વધારે હશે. એવું એટલે છે કેમ કે ચંદ્રનો પ્રભાવ આપણા ગ્રહ પર કામ કરી રહ્યો છે. તે બધું જ ઉપર ખેંચી રહ્યો છે. આખા દરિયાઓ ઉપર ઊઠવાનો પ્રયત્ન કરે છે તેવી જ રીતે, તમારું પોતાનું લોહી ચંદ્રની અસરથી પ્રભાવિત થઈ રહ્યું છે. તો જો તમે માનસિક રીતે થોડા અસંતુલિત હોવ, તો તે દિવસે તમારા મગજમાં અતિશય પરિભ્રમણના કારણે, તમે વધારે અસંતુલિત બની જશો. જો તમે ખુશ હોવ તો તમે વધારે ખુશ બનશો. જો તમે નાખુશ હોવ, તો તમે વધારે નાખુશ બનશો. જે પણ તમારો ગુણ હશે, એ દિવસોમાં તેમાં થોડી વૃદ્ધિ થશે, કારણ કે લોહી ઉપર ખેંચાઈ રહ્યું છે. આખી ઊર્જા અમુક રીતે ઉપર ખેંચાઈ રહી છે. એક આધ્યાત્મિક સાધક જે હંમેશાં તેની ઊર્જાઓને ઉપર ઉઠાવવા માટે દરેક શક્ય માધ્યમનો ઉપયોગ કરે છે, તેના માટે આ બે દિવસો પ્રકૃતિ તરફથી મળેલા એક વરદાન જેવા છે.