- મસ્ક પાસેથી વિશ્વના ટોચના ધનકુબેરનું ટાઇટલ નવ મહિના બાદ છીનવાયું
- મસ્કની સંપત્તિ 197.7 અબજ ડોલરની છે જ્યારે જેફ બેજોસની સંપત્તિ 200.3 અબજ ડોલર
- ટેસ્લાના શેર્સમાં 7.2 ટકાના જંગી ઘટાડા સાથે મસ્કે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનો દરજ્જો ગુમાવ્યો
વિશ્વભરના અમીરોની યાદીમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. આ યાદીમાં એલન મસ્કને મોટો આંચકો લાગ્યો છે. બ્લૂમબર્ગની યાદી અનુસાર એક્સ અને ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓના માલિક એલન મસ્ક હવે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ નથી રહ્યા. પાછલા નવ મહિનામાં આવું પ્રથમવાર બન્યું છે કે જ્યારે મસ્ક પાસેથી આ ટાઇટલ છીનવાયું છે. વિશ્વના ટોચના અમીર વ્યક્તિનો તાજ હવે એમેઝોનના 60 વર્ષના માલિક જેફ બેજોસના શીર પર લાગી ગયો છે. સોમવારે ટેસ્લા ઇન્કના શેર્સમાં 7.2 ટકાના જંગી ઘટાડા સાથે એલન મસ્કે બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનો દરજ્જો ગુમાવી દીધો છે. સંપત્તિમાં જંગી ઘટાડા સાથે હવે એલન મસ્કની સંપત્તિ 197.7 અબજ ડોલરની છે જ્યારે જેફ બેજોસની સંપત્તિ 200.3 અબજ ડોલરની છે. જેફની વાત કરીએ તો એમેઝોનનો માલિક 2021 બાદ પહેલી વાર બ્લૂમબર્ગના સૌથી અમીરોની યાદીમાં ટોચ પર પહોંચ્યો છે.
એક સમયે બન્ને વચ્ચે 142 અબજ ડોલરનું અંતર હતું
52 વર્ષના મસ્ક અને 60 વર્ષના બેજોસની સંપત્તિ વચ્ચે એક સમયે 142 અબજ ડોલરનું અંતર હતું. બન્ને કંપનીઓ આમ તો ટોચના સાત શેરમાં સામેલ છે પણ એમેઝોનનો શેર સતત વધી રહ્યો છે અને બે ગણાથી વધારે વધી ગયો છે તથા હાલમાં રેકોર્ડ ઊંચાઇની નજીક છે જ્યારે ટેસ્લાનો શેર તેના 2021ના ટોચના સ્તરથી લગભગ 50 ટકા ડાઉન છે.
મસ્કનું સેલેરી પેકેજ રદ થતાં ફટકો પડયો
ડેલાવેયર જજે ટેસ્લામાં એલન મસ્કના 55 અબજ ડોલરના સેલેરી પેકેજને રદ્દ કરતાં મસ્કની સંપત્તિમાં વધારે ઘટાડો આવી શકે છે. કોર્ટના આ ચુકાદામાં ઇન્વેસ્ટરનો પક્ષ લેવામાં આવ્યો હતો જેણે મસ્કની ઈતિહાસમાં સૌથી મોટી કમ્પેન્સેશન સ્કીમને પડકાર આપ્યો હતો. હવે તેની અસર દેખાશે.


