ભારતીય રાજદૂત જે.પી.સિંહે કહ્યું કે મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી લખવી હજુ પણ ખુલ્લેઆમ ફરે છે. લશ્કર-એ-તૈયબાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પણ ડર વિના ફરી રહ્યો છે. આ આતંકવાદીઓ પર પાકિસ્તાન સરકાર કેમ કોઇ કાર્યવાહી નથી કરતી. જે.પી.સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનના બે મોઢાવાળા નિવેદનોના કારણે તેમના પર વિશ્વાસ મુકવો અશક્ય છે.
મસૂદ અઝહર અને હાફિઝ સઈદ પર કાર્યવાહી ક્યારે?: જે.પી.સિંહ
ભારત આતંકવાદ સામે વધુને વધુ અવાજ ઉઠાવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર દબાણ પણ લાવી રહ્યું છે. હવે આતંકવાદનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની હાકલ થઈ રહી છે. ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી.સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ બંધ થઈ ગયું છે પણ સમાપ્ત થયું નથી. તેમણે એવી પણ માંગણી કરી હતી કે જેમ અમેરિકાએ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને સોંપ્યો છે. તેવી જ રીતે ઇસ્લામાબાદે ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદ અને ઝાકીઉર રહેમાન લખવીને પણ ભારતને સોંપવા જોઈએ.
“ઓપરેશન સિંદૂર” માત્ર સ્થગિત છે: જે.પી.સિંહ
ભારતીય રાજદૂતે જણાવ્યુ હતુ કે, “યુદ્ધવિરામ હજુ પણ ચાલુ છે, પરંતુ અમે સ્પષ્ટ કરી દીધું છે કે ઓપરેશન સિંદૂર માત્ર સ્થગિત કરવામાં આવ્યુ છે. તે હજુ પૂરું થયું નથી.” તેમણે એમ પણ કહ્યું, “આતંકવાદ સામેનું આપણું યુદ્ધ ચાલુ રહેશે. અમે એક નવું સામાન્યકરણ સ્થાપિત કર્યું છે અને નવું સામાન્યકરણ એ છે કે અમે આક્રમક વ્યૂહરચનાનું પાલન કરીશું. આતંકવાદીઓ જ્યાં પણ હશે. આપણે તેમને મારવા પડશે અને તેમના માળખાગત સુવિધાઓનો નાશ કરવો પડશે. તેથી તે હજુ પણ સમાપ્ત થયું નથી, પરંતુ યુદ્ધવિરામ હજુ પણ અકબંધ છે.”
આતંકવાદીઓને અમને સોંપી દો: રાજદૂત જેપી સિંહ
જે.પી.સિંહે વધુમાં કહ્યું કે “અમેરિકાએ તાજેતરમાં મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત પ્રત્યાર્પણ કર્યું છે તે તરફ ધ્યાન દોરતા ભારતીય રાજદૂતે કહ્યું કે ઇસ્લામાબાદ પણ આવું જ કરી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું, “જ્યારે અમેરિકા આ ગુનેગારોને સોંપી શકે છે, તો પાકિસ્તાન તેમને આપણને કેમ ન સોંપી શકે? તેમણે ફક્ત હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીરને સોંપવા પડશે અને આખો કેસ સમાપ્ત થઈ જશે.” સિંહે પાકિસ્તાનમાં રાજદ્વારી તરીકે પણ કામ કર્યું છે.