- રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં 26.50 ટકા વધુ ભાવના સિંગલ ટેન્ડરને લીલી ઝંડી
- ફરીથી ટેન્ડર નહીં મંગાવીને માનીતા કોન્ટ્રાક્ટરોને બખ્ખાં કરાવાતા હોવાની ચર્ચા
- બીટુમેનનો ભાવ વધારાનો તફાવત આપવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં નિયમો નેવે મૂકીને રૂ. 13 કરોડના કામના સિંગલ ટેન્ડરના કામો મંજૂર કરવાનો સિલસિલો જારી રહેવાને પગલે વિવાદ સર્જાયો છે. AMCમાં સામાન્ય રીતે સિંગલ ટેન્ડર આવે તો ફરીથી ટેન્ડર મંગાવીને સૌથી લોએસ્ટ ટેન્ડર મંજૂર કરવામાં આવે છે. આ પ્રકારે સિંગલ ટેન્ડરના કામો મંજૂર કરવાનો સિલસિલો જારી રાખીને માનીતા કોન્ટ્રાક્ટરોને બખ્ખાં કરાવવામાં આવતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં શહેરના જુદા જુદા વોર્ડમાં રોડ રિગ્રેડ કરીને રીસરફેસ કરવા અને નવા રોડ બનાવવા માટે જરૂરિયાત અનુસાર હોટ મીક્ષ મટીરીયલ સપ્લાય કરવા માટે એકમાત્ર કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સના 26.50 ટકા વધુ ભાવના રૂ. 12.13 કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત બીટુમેનનો ભાવ વધારાનો તફાવત આપવામાં આવશે.
આમ, AMC ઈજનેર વિભાગના અધિકારીઓએ તૈયાર કરેલા અંદાજની સરખામણીએ 26.50 ટકા વધુ ભાવે આ કામ મંજૂર કરવામાં આવ્યું હોવાથી AMCના અધિકારીઓનો અંદાજ કેવો ? તેમજ AMC એન્જિનીયરોએ તૈયાર કરાયેલા અંદાજ કરતાં 26.50 ટકા વધુ ભાવે શા માટે ટેન્ડરમંજૂર કરવામાં આવ્યું ? તેવો પ્રશ્નાર્થ સર્જાયો છે.
શહેરના વેજલપુર વોર્ડમાં રેનબસેરા, પે એન્ડ યુઝ ટોયલેટ, ગાર્ડન, વગેરેમાં રિપેરિંગ કરવા માટે 11.21 ટકા વધુ ભાવનું રૂ. 33.36 લાખનું સિંગલ ટેન્ડર મંજૂર કરાયું છે. જ્યારે બોડકદેવ વોર્ડમાં ઉત્તર- પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસમાં આવેલા ટોઇલેટને રીપેરીંગ કરાવવા માટે 11.51 ટકા વધુ ભાવ સાથેનું રૂ. 33.45 લાખનું સિંગલ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.
આ પ્રકારે ઈજનેર વિભાગના અંદાજ કરતાં વધુ ભાવથી સિંગલ ટેન્ડર મંજૂર કરવાને કારણે AMC તિજોરી પર વધારાનો ખર્ચ બોજ પડે છે.


