- હિન્ડનબર્ગના આરોપો વાહિયાત સાબિત થયાં : અમેરિકી સરકાર
- શ્રીલંકન ટર્મિનલ માટે 55.3 કરોડ ડોલરનું ઋણ આપવાના નિર્ણય પર કોઈ અસર નથી થઈ
- ચીનની તુલનામાં પાયાના માળખાગત પ્રોજેક્ટ્સને અમેરિકા અલગ પ્રકારે જુવે છે
અમેરિકન સરકારે જાહેરાત કરી છે કે શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અબજોપતિ અને અદાણી જૂથના વડા ગૌતમ અદાણી વિરુદ્ધ કોર્પોરેટ ફ્રોડનો જે આરોપ મૂકવામાં આવ્યો છે તે રિલેવન્ટ ન હતાં અને તેના કારણે શ્રીલંકન ટર્મિનલ માટે 55.3 કરોડ અમેરિકન ડોલરનું ઋણ આપવાના અમેરિકાના નિર્ણય પર કોઈ અસર નથી થઈ. નોંધનીય છે કે અદાણી જૂથને શ્રીલંકામાં કન્ટેનર ટર્મિનલ બનાવવા માટે 55.3 કરોડ ડોલરનું ઋણ આપતાં પહેલાં અમેરિકન સરકાર એ નિષ્કર્ષ પર પહોંચી છે કે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા કોર્પોરેટ ફ્રોડના આરોપો જરા પણ પ્રાસંગિક નથી. આમ અમેરિકન સરકારે અદાણી જૂથને ક્લીનચીટ આપી દીધી છે. આ રિપોર્ટ અનુસાર અધિકારીએ જણાવ્યું હતું કે તેમ છતાં પણ અમેરિકન એજન્સી આ બાબતને સુનિશ્ચિત કરવા માટે કંપની પર દેખરેખ રાખતી રહેશે કે અમેરિકન સરકાર અજાણતાં જ કોઈ આર્થિક ભ્રષ્ટાચારમાં સાથ ના આપે. ચીનની તુલનામાં પાયાના માળખાગત પ્રોજેક્ટ્સને અમેરિકા અલગ પ્રકારે જુવે છે.
આરોપોને સામે રાખીને ઊંડી તપાસ કરવામાં આવી હતી
અમેરિકન મીડિયાના એક રિપોર્ટ અનુસાર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે અદાણી જૂથ સામે અમેરિકાથી સંચાલિત થતાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોને સામે રાખીને ઊંડી તપાસ કરવામાં આવી હતી. ડીએફસીના આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ડીએફસી એ બાબતથી સંતુષ્ટ હતું કે શોર્ટ સેલરના રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોને શ્રીલંકન પ્રોજેક્ટને લીડ કરનારી અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલઇકોનોમિક ઝોન લિમિટેડ સાથે કોઈ સંબંધ નહતો.


