અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેનેડાથી આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફ ડબલ કરીને 50 ટકા કરી દીધો છે. આ પગલું ઓન્ટારિયો પ્રાંત દ્વારા અમેરિકામાં નિકાસ થતી વીજળી પર 25 ટકા ટેરિફ લાદવાની જવાબી કાર્યવાહીમાં લેવામાં આવ્યું છે.
‘કેનેડાએ ડેરી ઉત્પાદનો પર ટેરિફ ખત્મ કરવો જોઈએ’
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે તેમણે તેમના વાણિજ્ય સચિવને આ ઉત્પાદનો પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવાનો નિર્દેશ આપ્યો છે, જે બુધવાર સવારથી અમલમાં આવશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે કેનેડાએ અમારા અમેરિકન ખેડૂતો પર લાદવામાં આવેલા 250%થી 390% ડેરી ઉત્પાદનોના ટેરિફને તાત્કાલિક દૂર કરવા જોઈએ, જે લાંબા સમયથી અતિશય માનવામાં આવે છે. હું ટૂંક સમયમાં અસરગ્રસ્ત વિસ્તારમાં વીજળી અંગે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીશ.
ટેરિફ મુદ્દે યુએસ-કેનેડા સામસામે
ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો કેનેડા અન્ય અન્યાયી અને લાંબા સમયથી ચાલતા ટેરિફ દૂર નહીં કરે તો યુએસ 2 એપ્રિલથી કેનેડિયન કાર પર ટેરિફમાં “મોટો વધારો” લાદશે. આ દરમિયાન ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે, જેમણે યુએસમાં વીજળી નિકાસ પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, મંગળવારે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્રમ્પ કેનેડા પર લાદવામાં આવેલા તમામ ટેરિફ “કાયમ માટે બંધ” નહીં કરે ત્યાં સુધી તેઓ પીછે હટ નહીં કરે.


