- સોફટવેર એન્જિનિયર તરીકે કામ કરતા વ્યકિતએ આપઘાત કરી લીધો
- મૃતકની પત્ની ડેટા વૈજ્ઞાનિક તરીકે જોબ કરતી હતી
- પોલીસ હાલ સમગ્ર કેસને લઈ તપાસ ચલાવી રહી છે
અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પૂર્વ મેટા સોફ્ટવેર આનંદ હેનરી પર પોતાની પત્ની અને જોડિયા પુત્રોની હત્યા કરવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે પત્ની અને બાળકોની હત્યા કર્યા પછી આનંદ હેનરીએ જાતે ગોળી મારી લીધી હતી.
ભારતીય મૂળના વ્યકિતએ પત્ની બાળકોની કરી હત્યા
પોલીસ વિભાગે જણાવ્યું કે 37 વર્ષીય હેનરી અને તેની 36 વર્ષની પત્ની એલિસ બેંજીંગરનો મૃતદેહ તેના ઘરના બાથરૂમમાં મળી આવ્યો હતો. હેનરીના નામથી રજિસ્ટર્ડ બંદૂક પણ જમીન પર પડી હતી. પોલીસે એક નિવેદન પ્રસિદ્ધ કરી કહ્યું કે અમારી તપાસ પ્રમાણે બેંજીંગરના શરીર પર ઘણી બધી ગોળીઓના નિશાન હતા. જ્યારે હેનરીના શરીર પર માત્ર એક જ ગોળી વાગી હતી. વધુમાં તેમને આગળ જણાવ્યું કે ચાર વર્ષના જોડિયા બાળકનું મોત ગોળી વાગવાથી નથી થયું. હાલ પોલીસે પણ બાળકોનાં મોતના કારણોનો ખુલાસો નથી કર્યો. પોલીસે હેનરી પર પોતાના પરિવારની હત્યાનો આરોપ મુક્યો છે.
પતિ સોફ્ટવેર એન્જિનિયર અને પત્ની ડેટા વૈજ્ઞાનિક હતી
લિંક્ડ-ઈન પ્રોફાઈલ અનુસાર, હેનરી મેટામાં સોફટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો જ્યારે આની પહેલા તે ગુગલમાં પણ કામ કરી ચુક્યો હતો. આમ છતાં મેટાએ અત્યાર સુધી આની પર કોઈ રિએક્શન નથી આપ્યું. તેની લિંક્ડ-ઈન પ્રોફાઈલ પ્રમાણે મોત દરમિયાન તે એઆઈ પર કામ કરી રહ્યો હતો. જ્યારે તેની પત્ની બેંઝીગર જિલોમાં એક ડેટા વૈજ્ઞાનિક હતી.
બંને કેરળના રહેવાસી હતા અને બંનેએ પિટસબર્ગની કાર્નેઝી મેલન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કોર્ટના રેકોર્ડ અનુસાર, ડિસેમ્બર-2005માં પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ આની પર અમલ ન થઈ શક્યો. પોલીસ વિભાગે જણાવ્યું કે જ્યારે પરિવારની સાથે કોઈ સંપર્ક ન થયો તો પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી હતી. એવું મનાઈ રહ્યું છે કે હત્યા શનિવારે થઈ હતી.


