અમેરિકાના મિનેસોટામાં બે જનપ્રતિનિધિઓ – સ્ટેટ સીનેટર જોન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝન્ટીવ મેલિસા હોર્ટમેન પર તેમના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો છે. લોકલ અધિકારીઓએ તેને ટારગેટેડ એટેક ગણાવ્યો છે, જેમાં જોન હોફમેન આ હુમલામાં ઘાયલ થયા છે, જ્યારે મેલિસા હોર્ટમેન અને તેમના પતિનું આ હુમલામાં મૃત્યુ થયું છે.
આ ગોળીબાર મિનિયાપોલિસના ઉપનગરો ચેમ્પલિન અને બ્રુકલિન પાર્કમાં પોત પોતાના ઘરોમાં થયો હતો. પ્રારંભિક તપાસ મુજબ એવી શંકા છે કે હુમલાખોર પોતે પોલીસ અધિકારીના વેશમાં આવ્યો હતો. અધિકારીઓ હુમલા પાછળનો હેતુ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલમાં જ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકીય હિંસાનો વિરોધ કરવો જ જોઈએ!
મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે “આપણે ફક્ત મિનેસોટામાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં તમામ પ્રકારની રાજકીય હિંસા સામે ઉભા રહેવું જોઈએ.” તેમને વધુમાં કહ્યું કે “જે લોકો આ માટે જવાબદાર છે તેમને ચોક્કસપણે સજા કરવામાં આવશે.”
આ હુમલા બાદ, અધિકારીઓએ મિનિયાપોલિસના બે ઉપનગરોમાં રહેનાર લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી કારણ કે તેઓ પોલીસ યુનિફોર્મ પહેરેલા શંકાસ્પદ વ્યક્તિને શોધી રહ્યા હતા.
આ દરમિયાન મિનેસોટા પોલીસ પ્રમુખે જાણકારી આપી હતી કે શંકાસ્પદ વ્યક્તિની કારમાંથી એક “મેનિફેસ્ટો” મળી આવ્યો છે, જેમાં ઘણા ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓના નામ ટારગેટના લક્ષ્યો તરીકે લિસ્ટેડ છે.
હુમલાખોરોના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહી છે પોલિસ
તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ એકલો હુમલો કરનાર હતો કે કોઈ મોટા કાવતરાનો ભાગ હતો. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને આસપાસના તમામ જનપ્રતિનિધિઓને વધારાની સુરક્ષા આપવામાં આવી રહી છે.
સ્થાનિક વહીવટીતંત્ર, એફબીઆઈ અને અન્ય સંઘીય એજન્સીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહી છે. હુમલાખોરની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેના રાજકીય હેતુની આશંકા નકારી શકાતી નથી, અને એવું માનવામાં આવે છે કે તે ખાસ કરીને જનપ્રતિનિધિઓને નિશાન બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યો હતો.