- બેલેસ્ટિક મિસાઈલના સાધનો સપ્લાય કરતી કંપની પર પ્રતિબંધ
- ચીનની ત્રણ કંપનીઓ અને એક બેલાસુસિયન કંપની પર પ્રતિબંધ
- USનો પાકિસ્તાનમાં બેલેસ્ટિક મિસાઈલ સાધનોના સપ્લાય પર પ્રતિબંધ
અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમો માટે સાધનો સપ્લાય કરતી 4 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ચીનની ત્રણ કંપનીઓ અને એક બેલારુસિયન કંપની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુએસએ મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ, ઝિઆન લોંગડે ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની લિમિટેડ, તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ અને ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ પર આ પ્રતિબંધો લાદ્યા છે.
સામૂહિક વિનાશના હથિયારોના ઉત્પાદન અને પ્રસારને રોકવા માટે પ્રતિબદ્ધ
આ તમામ કંપનીઓ પર સામૂહિક વિનાશના હથિયારોના ઉત્પાદન અને વિતરણ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ તેના સહયોગી દેશો સાથે મળીને સામૂહિક વિનાશના હથિયારોના ઉત્પાદન અને પ્રસારને રોકવા માટે પ્રતિબદ્ધ છે. વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ચીન સ્થિત શિયાન લોંગડે ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની લિમિટેડે પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ફિલામેન્ટ વિન્ડિંગ મશીન સહિત મિસાઈલ સંબંધિત સાધનો પૂરા પાડ્યા છે. અમેરિકા માને છે કે ફિલામેન્ટ વિન્ડિંગ મશીનોનો ઉપયોગ રોકેટ મોટર કેસ બનાવવા માટે થઈ શકે છે.
ચીનની કંપનીના પાકિસ્તાન સાથે જૂના સંબંધો છે
ચીન સ્થિત તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડે પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે મિસાઈલ સંબંધિત સાધનો પૂરા પાડ્યા છે. આમાં અમેરિકાનો અંદાજ છે કે સ્ટિર વેલ્ડીંગ સાધનોનો ઉપયોગ અવકાશ પ્રક્ષેપણ વાહનોમાં વપરાતી ટેન્ક બનાવવા માટે કરી શકાય છે. ચાઇના સ્થિત ગ્રાનપેક્ટ કંપની લિમિટેડે રોકેટ મોટર્સના પરીક્ષણ માટે સાધનો સપ્લાય કરવા માટે પાકિસ્તાનની સુપાર્કો સાથે કામ કર્યું છે. આ સાથે ગ્રાનપેક્ટ કંપની લિમિટેડે પાકિસ્તાનના એનડીસીને તેના પરીક્ષણ માટે સાધનો સપ્લાય કરવાનું પણ કામ કર્યું હતું.
બેલારુસની કંપની પર પણ પ્રતિબંધ
બેલારુસના મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટે પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે વિશેષ વાહન ચેસીસ સપ્લાય કરવા માટે કામ કર્યું છે. આવી ચેસીસનો ઉપયોગ પાકિસ્તાનના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ – NDC દ્વારા બેલિસ્ટિક મિસાઇલો માટે લોન્ચ સપોર્ટ સાધનો તરીકે કરવામાં આવે છે.


