અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાના આદેશ મામલે દરેક સ્થળે હલચલ જોવા મળી રહી છે. અમેરિકામાંથી ભારતીયો સહિત 300 લોકોને દેશ નિકાલ કરાયો છે. આ તમામ લોકોને પનામાની એક હોટલમાં રાખવામાં આવ્યા છે. અને અહીંથી તેઓ બારી પાસે ઉભા રહીને પેપર પર ‘Please Help!’ના લખેલા સૂચક પોસ્ટરથી મદદની પોકાર કરી રહ્યા છે.
પનામાની હોટલમાં ફસાયા ગેરકાયદેસર પ્રવાસીઓ
પનામાના અધિકારી નિર્વાસિતોને તેમના દેશ પરત મોકલવા માટે તેમના દેશના અધિકારીઓના સંપર્કમાં છે. અને તેઓ ભારતીય અધિકારીઓ સાથે પણ સંપર્ક સાધી રહ્યા છે. પનામા સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, તેઓ પનામા સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરશે. ભારતીય દૂતાવાસ તરફથી એ કહેવામાં આવ્યુ છે કે, પનામાના અધિકારીઓએ તેમને સૂચના આપી છે કે, અમેરિકાથી ભારતીયોનું સમૂહ પનામા પહોંચ્યુ છે. અને તેઓને એક હોટલમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. અને તેમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. દૂતાવાસે પોતાના ટ્વીટમાં એક ઇમરજંસી નંબર પણ લખ્યો છે.
ગેરકાયદે પ્રવાસીઓના દેશ નિકાલમાં સૌથી વધુ લોકો ભારત, નેપાળ, શ્રીલંકાના છે. આ ઉપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન વિયતનામ, ઇરાનના પ્રવાસીઓને તેમના દેશ મોકલવા માટે પનામાને સ્ટોપ ઓવરની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડિપોર્ટેડ લોકોને હોટલમાં રાખવા અને મદદ માટે તેમની અપીલ અંગે પનામાના સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રેગોએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમની સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવ્યા નથી પરંતુ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એબ્રેગોએ જણાવ્યું હતું કે યુએસ-પનામા સ્થળાંતર કરારમાં નિર્ધારિત મુજબ દેશનિકાલ કરાયેલા લોકોને તબીબી સહાય અને ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પનામાની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, બંને દેશો સંમત થયા હતા કે પનામા યુનાઇટેડ સ્ટેટ્સ અને નિર્વાસિતોના દેશ વચ્ચે પુલ તરીકે કામ કરશે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવાનો તમામ ખર્ચ અમેરિકા ઉઠાવી રહ્યું છે.


