જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારથી તેમણે અમેરિકામાં માલ નિકાસ કરતા દેશો પર કડક વલણ અપનાવ્યું છે. આમાં કેનેડા, મેક્સિકોથી લઈને ચીનનો સમાવેશ થાય છે અને હવે 2 એપ્રિલથી ભારતનો વારો આવવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ભારત પર ‘પારસ્પરિક ટેરિફ’ લાદવાના છે અને તેના અમલ પહેલા જ તેની અસર ભારતના ઓટો સેક્ટર પર દેખાવા લાગી છે.
દેશના ઓટો સેક્ટર પર દેખાઇ અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ 2 એપ્રિલથી ભારત પર તેમની ‘રેસિપ્રોકલ ટેરિફ’ નીતિ લાગુ કરશે. તેના અમલીકરણ માટે હજુ થોડા કલાકો બાકી છે. છતાં તેની અસર દેશના ઓટો સેક્ટર પર દેખાવા લાગી છે. આજે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઓટો બજાર છે. વિશ્વની લગભગ દરેક કંપની અહીં પોતાના વાહનોનું ઉત્પાદન કરી રહી છે. આવી સ્થિતિમાં, ઓટો પાર્ટ્સ ઉદ્યોગ અહીંના ઓટો સેક્ટરમાં મોટો હિસ્સો ધરાવે છે. ટ્રમ્પ ટેરિફ લાગુ થાય તે પહેલાં જ, આ ઉદ્યોગ પર તેની અસર દેખાઈ રહી છે.
ટ્રમ્પ ટેરિફની અસર દેખાઇ
કોઈપણ કંપની કે દેશના ઓટો માર્કેટ પર સીધી કાર્યવાહી કરવાને બદલે, ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ઓટો ઉત્પાદકો પર 25 ટકા ટેરિફ લાદવાની વાત કરી છે. શરૂઆતમાં, આ ટેરિફ સંપૂર્ણપણે એસેમ્બલ વાહનોની આયાત પર લાદવામાં આવશે. જ્યારે એન્જિન, ટ્રાન્સમિશન અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જેવા કાર સંબંધિત ભાગો પર અલગ ટેરિફ લાદવાની પણ ચર્ચા છે. ઘણી ભારતીય ઓટો પાર્ટ્સ કંપનીઓ આ વૈશ્વિક કાર ઉત્પાદકોના સપ્લાયર બેઝનો ભાગ છે. ઉપરાંત, ભારતમાં ઘણી વિદેશી કંપનીઓ અહીં કારનું ઉત્પાદન કરે છે અને તેને વિશ્વના વિવિધ બજારોમાં નિકાસ કરે છે અને ભારતીય બજારમાંથી તેના ભાગો પણ ખરીદે છે. તેથી, ટ્રમ્પ ટેરિફથી તેમના પર અસર થવાની પૂરી શક્યતા છે.
અમેરિકા ભારતનું સૌથી મોટું બજાર
અમેરિકા ભારતીય ઓટો પાર્ટ્સ માટે સૌથી મોટું નિકાસ બજાર છે. 31 માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, આ રૂ. 1.8 લાખ કરોડ ઉદ્યોગની નિકાસનો એક તૃતીયાંશ ભાગ અમેરિકામાં જાય છે. ભારત ફોર્ડથી લઈને જનરલ મોટર્સ અને ટેસ્લા સુધી દરેકને ઓટો પાર્ટ્સ સપ્લાય કરે છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારી પાર્થો બેનર્જી કહે છે, “ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં દેશના ઓટો ક્ષેત્રનો વિકાસ 2 ટકા રહેવાનો અંદાજ છે.” તેમના નિવેદનથી ખબર પડે છે કે આ વર્ષે ભારતમાં ઓટો પાર્ટ્સની માંગ ઓછી રહેવાની છે. અને જો ટ્રમ્પ ટેરિફ લાગુ કરવામાં આવે તો, વિદેશમાં પણ ઓટો પાર્ટ્સની માંગ ઓછી રહી શકે છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર પણ પારસ્પરિક ટેરિફ લાદે છે. તો ઓટો પાર્ટ્સ ઉદ્યોગને 15 ટકા સુધીની આયાત ડ્યુટીનો સામનો કરવો પડશે. આનું કારણ એ છે કે ભારત હાલમાં અમેરિકાથી આયાત થતા ઓટો પાર્ટ્સ પર આટલો મહત્તમ ટેરિફ લાદે છે. જો આ ટેરિફ 25 ટકા સુધી પહોંચી જશે તો ભારતના ઓટો પોર્ટ ઉદ્યોગને ભારે નુકસાન થશે.


