અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયના કારણે ભારતના મેટલ સેક્ટરમાં મોટી અસર થઇ શકે છે. ત્યારે ભારત સરકાર આ અંગે શું રણનીતિ કરે છે. તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે. સ્ટીલ, એલ્યૂમિનિયમ એક્સપોર્ટને અમેરિકા તરફથી ઝટકો મળી શકે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ટેરિફ બમણી કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની સીધી અસર ભારત પર પડી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ એટલે કે, GTRIના અહેવાલ મુજબ આ નિર્ણય ભારતની લગભગ 38,000 કરોડ રૂપિયાની કિંમતની ધાતુ નિકાસને જોખમમાં મૂકી શકે છે.
શું છે સમગ્ર મામલો ?
30 મે 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવશે. આ નવો નિયમ 4 જૂન 2025થી અમલમાં મુકવામાં આવશે. ટ્રમ્પે અમેરિકાની “રાષ્ટ્રીય સુરક્ષા” ને ટાંકીને આ નિર્ણય લીધો છે.
ભારત પર શું પડશે અસર ?
ભારતે નાણાંકિય વર્ષ 2025માં અમેરિકાને કુલ 4.56 બિલિયન ડૉલરનું સ્ટીલ અને એલ્યૂમિનિયમ સાથે જોડાયેલો સામાન એક્સપોર્ટ કર્યો હતો. જેમાં 587.5 મિલિયન ડૉલરનું આયરન અને સ્ટીલ, 3.1 બિલિયન ડૉલરનું લોખંડ અને સ્ટીલથી બનેલો સામાન તથા 860 મિલિયન ડૉલરનું એલ્યુમિનિયમ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનો સામેલ છે. હવે જ્યારે અમેરિકામાં આ બધા પર 50 ટકા ટેક્સ લગાવવામાં આવશે. ત્યારે ભારતીય સામાન ત્યાં વધુ મોંઘો બનશે. અને વેપારમાં ઘટાડો તથા નુકસાન થવાની શંકા સેવાઇ રહી છે. ભારતે આ નિર્ણય અંગે વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOને જાણ કરી છે. અને માનવામાં આવી રહ્યુ છે કે, સરકાર બદલો લેવા માટે પગલાં લેવાની તૈયારી કરી રહ્યુ છે.
GTRI શું કહે છે?
GTRIના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી માત્ર વેપારને જ નહીં પરંતુ પર્યાવરણને પણ નુકસાન થઇ શકે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં કાર્બન છોડવામાં આવે છે. જ્યારે વિશ્વ ગ્રીન ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યું છે. ત્યારે ટ્રમ્પના નિર્ણયમાં પર્યાવરણ પ્રત્યે કોઈ ચિંતા દેખાતી નથી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ નિર્ણય અમેરિકાના ‘આર્થિક રાષ્ટ્રવાદ’ એટલે કે “અમેરિકા ફર્સ્ટ” નીતિનો એક ભાગ છે. આનાથી અમેરિકામાં સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે. પરંતુ તે વૈશ્વિક વેપાર અને આબોહવા લક્ષ્યો માટે ચેતવણીનો સંકેત આપી રહ્યા છે.