અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકામાં વેચાતા આઇફોન ફક્ત અમેરિકામાં જ બનવા જોઈએ. ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. આ સાથે ટ્રમ્પે એપલ પર ઓછામાં ઓછા 25% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એપલના સીઈઓ ટિમ કૂકને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થવું જોઈએ. ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં.
25% ટેરિફ લાદવાની ધમકી
એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ જણાવ્યુ છે કે, મેં આ સંદર્ભમાં એપલના ટિમ કૂકને ઘણા સમય પહેલા જ જાણ કરી દીધી હતી. મને આશા છે કે અમેરિકામાં વેચાતા તેમના iPhones પણ ભારતમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. જો આવું નહીં થાય તો એપલે અમેરિકાને ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવા પડશે. અગાઉ, ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા અને તેના બદલે અમેરિકામાં આઈફોન બનાવવા કહ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહેલા ટ્રમ્પે કહ્યું કે એપલ અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે.
ભારત અને ચીનમાં કંપનીનો રસ
સસ્તા અને કુશળ શ્રમિકોની ઉપલબ્ધતા તેમજ ચોકસાઇ એન્જિનિયરિંગ ઉત્પાદન સપ્લાય ચેઇનને કારણે એપલ આઇફોનના ઉત્પાદન માટે ચીન અને ભારત તરફ આકર્ષિત થઈ છે. તેની સરખામણીમાં, અમેરિકન શ્રમ અને ઉત્પાદન ખર્ચાળ છે. ભારતમાં બનેલા આઇફોન તમિલનાડુમાં તાઇવાનના કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોનની ફેક્ટરીમાં એસેમ્બલ કરવામાં આવે છે. ભારતમાં પેગાટ્રોન કોર્પનું સંચાલન કરતી ટાટા ઇલેક્ટ્રોનિક્સ બીજી મોટી ઉત્પાદક કંપની છે. ટાટા અને ફોક્સકોન આઇફોનનું ઉત્પાદન વધારવા માટે નવા પ્લાન્ટ બનાવી રહ્યા છે અને ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે.
આંકડા શું કહે છે?
S&P ગ્લોબલના વિશ્લેષણ મુજબ, 2024 માં યુએસમાં iPhone નું વેચાણ 75.9 મિલિયન યુનિટ રહેવાની ધારણા હતી. જેમાં માર્ચમાં ભારતમાંથી 31 લાખ યુનિટની નિકાસ થવાની ધારણા હતી. તે જ સમયે, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ્રિલમાં જાહેરાત કરી હતી કે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી હતી.