- ટેક્સપેયર્સના પૈસા લોનનું વ્યાજ ચૂકવવા વપરાશે: ટ્વિટર પર ચર્ચા
- ટ્વિટર પર ચાલી રહેલી ચર્ચામાં કુંડી પડ્યા ટેસ્લાના CEO એલોન મસ્ક
- એલન મસ્કે અમેરિકનોને ખર્ચ ઓછો કરવા માટે સલાહ આપી
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા પર કંગાળીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ચોંકાવનારી વાત બીજું કોઈ નહીં પરંતુ ટેસ્લાના CEO એલોન મસ્ક કહી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર ટ્વિટ કરીને અમેરિકાની જનતાને ખર્ચ ઓછો કરવા માટે સલાહ આપી છે.
વાસ્તવમાં ટ્વિટર પર એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં અમેરિકન કરદાતાઓના 100 ટકા પૈસાનો ઉપયોગ દેશની લોન પર વ્યાજ ચૂકવવામાં વેડફાઇ જશે. તેનો જવાબ આપતા એલોન મસ્કે કહ્યું હતું કે, અમેરિકાનું ટૂંક સમયમાં દેવાળું ફૂંકાઈ શકે છે. અહીના લોકોએ ઓછો ખર્ચ કરવો જોઈએ નહિ તો ટૂંક સમયમાં કંગાળ થઈ જશે.
ટ્વિટ સાથે સહમત થયા એલોન મસ્ક
એક યુઝરે પોસ્ટમાં કહ્યું કે આગામી કેટલાક વર્ષો માટે આ આંકડાઓ જોવા સારા છે. વ્યક્તિગત આયકર સરકારના રાજસ્વનો લગભગ અડધો ભાગ છે. ફેબ્રુઆરીની વાત કરીએ તો યુએસ સરકારે પર્સનલ ઇન્કમ ટેક્સમાંથી 120 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેઓને રાષ્ટ્રીય દેવા પર વ્યાજ ચૂકવવા માટે ફેબ્રુઆરીમાં 76 બિલિયન ડોલરનો ખર્ચ કરવો પડ્યો. આપણે એ દિવસથી વધારે દૂર નથી જ્યારે લોન પરના વ્યાજની ચુકવણી કરવા માટે 100 ટકા વ્યક્તિગત આવકવેરો ચૂકવવો પડશે.
શું અમેરિકા મંદીની સંભાવના?
અમેરિકાના અરબપતિ બેન્કર જેમી ડિમોનનું કહેવું છે કે અમેરિકામાં મંદીની શક્યતા વધારે દૂર નથી. તો, જેપી મોર્ગન ચેજના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એ કહ્યું, ‘મને લાગે છે કે આગામી એક કે બે વર્ષમાં સોફ્ટ લેન્ડિંગની શક્યતા અડધી છે. સૌથી ખરાબ પરિસ્થિતિ મોંઘવારીને લીધે આવનાર મંદીની સ્થિતિ હશે.
જેમી ડિમોને વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ કે કેમ તે અંગેના યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય અંગે પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે કોરોના મહામારીને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અમેરિકામાં હાલમાં બેરોજગારી ઘણી ઓછી છે, વેતન વધી રહ્યું છે.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે, ‘સેન્ટ્રલ બેંક વ્યાજ દર ઘટાડવાની નજીક જઈ રહી છે. અમે વધુ ખાતરીની રાહ જોઈ રહ્યા છીએ કે ફુગાવો બે ટકા પર જળવાઈ રહે. જ્યારે અમને વિશ્વાસ છે કે અમે તેનાથી દૂર નથી, તો પછી પ્રતિબંધોનું સ્તર પાછું લાવવાનું શરૂ કરવું યોગ્ય રહેશે.


