યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પહેલાથી જ દેશનિકાલ માટે નિર્ધારિત લોકોની સૂચિ તૈયાર કરી ચૂકી છે. લગભગ 18,000 જેટલા બિનદસ્તાવેજીકૃત ભારતીયોની ઓળખ કરી લેવામાં આવી છે જેમને દેશનિકાલ કરવામાં આવે તેવી શક્યતા છે.
ભારત અને અમેરિકા વચ્ચે સારા રાજદ્વારી સંબંધોની વાતો ચાલી રહી હોવા છતાં ભારતીયોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાંથી ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની ઝડપ એટલી છે કે વર્ષ 2024માં દર 6 કલાકે એક ભારતીયને અમેરિકાથી ભારતમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા 19 ડિસેમ્બરે જાહેર કરાયેલ નાણાકીય વર્ષ 2024 માટેના વાર્ષિક અહેવાલ મુજબ, આ વર્ષે દર 6 કલાકે એક ભારતીયને અમેરિકાથી ભારત મોકલવામાં આવ્યો હતો. અત્રે નોંધપાત્ર વાત એ છે કે આ કેસમાં એટલે કે યુએસથી ભારત ડિપોર્ટ કરવાની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ ઘણો વધારો થયો છે.
2023ની સરખામણીએ 2024માં સંખ્યામાં વધુ વધારો થયો છે.
વર્ષ 2021 (કુલ 59,011 માંથી 292 દેશનિકાલ) ની સરખામણીમાં વર્ષ 2024 (2,71,484 માંથી 1,529) ની વચ્ચે દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં 400 ટકાનો મોટો વધારો થયો છે. જ્યારે વર્ષ 2023માં અમેરિકામાંથી 1,42,580 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમાં 370 ભારતીયોનો સમાવેશ થાય છે. જ્યારે 2022માં દેશનિકાલ કરાયેલા 72,177માંથી 276 ભારતીય હતા.
ભારતની કેન્દ્રીય એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં ડિપોર્ટ કરવાની સંખ્યામાં વધઘટ એ વિવિધ પરિબળોને કારણે હોઈ શકે છે, જેમાં યુએસ ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફાર, અમલીકરણની પ્રાથમિકતાઓ અને ભારત અને યુએસ વચ્ચેના દ્વિપક્ષીય કરારોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે 2024 માં સંખ્યામાં વધારો “યુએસમાં કાનૂની દરજ્જો વિનાના લોકોને લક્ષ્ય બનાવતા વ્યાપક સ્થળાંતર વલણો અને અમલીકરણની ક્રિયાઓને પણ દર્શાવે છે.
અમેરિકાએ 2019 થી 2024 સુધીમાં કેટલા ભારતીયોનો દેશનિકાલ કર્યો? એક નજર..
વર્ષ 2019 – 1616
વર્ષ 2020 – 2312
વર્ષ 2021 – 292
વર્ષ 2022 – 276
વર્ષ 2023 – 370
વર્ષ 2024 – 1529
ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં જો બિડેનના કાર્યકાળ દરમિયાન સંખ્યા વધી
2019 અને 2020 ના કોવિડ રોગચાળા દરમિયાન, યુએસ પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, કુલ 3,928 (અનુક્રમે 1,616 અને 2,312) ગેરકાયદેસર બિન-નિવાસી ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેની સરખામણીમાં, 2021માં જ્યારે જો બિડેને યુએસ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે 2024માં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો ત્યાં સુધીમાં દેશનિકાલ કરાયેલા ભારતીયોની કુલ સંખ્યા 3,467 પર પહોંચી ગઈ હતી.
યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પહેલાથી જ દેશનિકાલ માટે નિર્ધારિત લોકોની સૂચિ તૈયાર કરી ચૂકી છે, અને લગભગ 18,000 બિનદસ્તાવેજીકૃત ભારતીયોની ઓળખ કરી છે જેમને દેશનિકાલ કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા નવેમ્બર 2024 સુધીના ICE ડેટા દર્શાવે છે કે 14.4 લાખ લોકોમાં 17,940 ભારતીયો છે જેમને યુએસમાંથી હટાવવાના અંતિમ આદેશ સાથે અટકાયતમાં લેવામાં આવ્યા નથી.