અમેરિકામાં ઈમિગ્રન્ટ્સને આ ડોક્યુનમેન્ટ 24 કલાક પોતાની સાથે કેમ રાખવા પડે છે? ટ્રમ્પના નવા નિયમથી H1B વિઝા અને ગ્રીન કાર્ડ ધારકોમાં ગભરાટ ફેલાયો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ અમેરિકામાં રહેતા તમામ ઈમિગ્રન્ટ્સ, ભલે તેઓ H1B વિઝા કે સ્ટૂડન્ટ વિઝા જેવા લીગલ વિઝા પર હોય, તેને 24 કલાક લીગલ ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખવા પડશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાગુ કરાયેલો આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ નિયમ ટ્રમ્પના ‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઈન્સ્ટ ઈન્વેઝન’ આદેશ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો હેતુ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. આ નિયમ લાગુ કરવા માટે અમેરિકન કોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે.
નવો નિયમ શું છે?
- અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનને રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ઝડપી અને કડક નિર્ણયોમાંનો આ એક છે.
- ટ્રમ્પ વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને બહાર કાઢવાનો છે.
- આ નિયમ મુખ્યત્વે એવા ઈમિગ્રન્ટ્સને અસર કરે છે જેઓ ગેરકાયદેસર રીતે અથવા લીગલ ડોક્યુમેન્ટ વિના અમેરિકામાં રહે છે.
- હવે અમેરિકામાં રહેતા તમામ બિન-નાગરિકો, જેમની ઉંમર 14 વર્ષથી વધુ છે અને જેઓ 30 દિવસ કે તેથી વધુ સમય માટે અમેરિકામાં રહે છે, તેને ફોર્મ G-325R ભરીને સરકાર સાથે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
- જો કોઈ બાળક 14 વર્ષથી ઓછી ઉંમરનું હોય, તો તેના/તેણીના માતાપિતાએ તેનું/તેણીનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- 11 એપ્રિલ પછી અમેરિકામાં પ્રવેશ કરનારાઓએ પણ આગમનના 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- આ નિયમનું પાલન ન કરનારાઓને દંડ, જેલ અથવા બંને સજા થઈ શકે છે.
આ નિયમમાં મહત્ત્વનું શું છે?
આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાનું સરનામું બદલે છે, તો તેને 10 દિવસની અંદર સરકારને નવા સરનામાની જાણ કરવી પડશે. આમ કરવામાં નિષ્ફળતા પર 5,000 અમેરિકન ડોલર સુધીનો દંડ થઈ શકે છે. વધુમાં, જે ઈમિગ્રન્ટ્સના બાળકો 14 વર્ષના થઈ રહ્યા છે તેમને સરકારમાં ફરીથી રજિસ્ટ્રેશન કરાવવી પડશે અને તેમના ફિંગરપ્રિન્ટ્સ પણ સબમિટ કરવા પડશે.
H1B વિઝા અને ગ્રીન કાર્ડ ધારકો માટે શું નિયમો છે?
જેમની પાસે માન્ય વિઝા છે, જેમ કે H1B વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા (F1) અથવા ગ્રીન કાર્ડ, તેમને ફરીથી ફોર્મ G-325R ભરવાની જરૂર નથી.
આનો અર્થ એ થયો કે, H1B વિઝા પર અમેરિકામાં કામ કરતા અથવા અભ્યાસ કરતા ભારતીય નાગરિકોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં.
આવા લોકોએ તેમના માન્ય ડોક્યુમેન્ટ, જેમ કે વિઝા, પાસપોર્ટ, I-94, ગ્રીન કાર્ડ વગેરે 24 કલાક પોતાની સાથે રાખવા પડશે.
યુએસ સરકારે શું નિવેદન આપ્યું?
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ બિન-નાગરિકોએ હંમેશા આ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ રાખવું આવશ્યક છે. તેમને કહ્યું કે વહીવટીતંત્રે DHS ને આ નિયમનું કડક પાલન કરવા સૂચના આપી છે.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં લગભગ 54 લાખ ભારતીયો રહે છે. 2022ના ડેટા મુજબ આમાંથી 2 લાખ 20 હજાર ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે, જે અમેરિકામાં રહેતા કુલ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના માત્ર 2% છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


