- હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ બન્યું વિકરાળ
- ગાઝામાં ઈઝરાયેલની સેનાના હુમલાને કારણે ભારે નુકસાન
- “ગાઝા પર ફરીથી કબજો કરવો ઈઝરાયેલ અને લોકો પર સંકટ ઘેરાશે”
છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ચાલું છે. તેવામાં યુદ્ધ શરૂ થયાને એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આ રક્તરંજત યુદ્ધનો અંત આવે એવી કોઈ શક્યતા નજર નથી આવી રહી. આ યુદ્ધના કારણે શરૂઆતમાં હમાસ હુમલાઓને કારણે ઈઝરાયેલમાં જાન-માલનું નુકસાન થયું હતું તો હવે ગાઝામાં ઈઝરાયેલની સેનાના હુમલાને કારણે જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યુ છે.
અમેરિકા શરૂઆતથી ઈઝરાયેલના સમર્થનમાં રહ્યું છે. પરંતુ હવે અમેરિકાએ ઈઝરાયેલને આ યુદ્ધ વચ્ચે એક ચેતવણી આપી છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં જ ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, ગાઝા પર હમાસનું શાસન ન હોવું જોઈએ અને તેના માટે અનિશ્ચિત સમય માટે ગાઝાની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ પાસે હોવી જોઈએ. જોકે, ઈઝરાયેલી રાજદૂત માઈકલ હર્ઝોગે એ સ્પષ્ટ કરી દીધુ હતું કે, ઈઝરાયેલનો ગાઝા પર કબજાનો કોઈ ઈરાદો નથી.
ઈઝરાયેલી PMનું આ નિવેદન ઈઝરાયેલના ગાઝા પર કબજો કરવા તરફ ઈશારો કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન વતી નિવેદન આપતા ચેતવણી આપી છે કે, ગાઝા પર ફરીથી કબજો કરવો ઈઝરાયેલ અને તેના લોકો માટે યોગ્ય નહીં હોય.
અગાઉ પણ ગાઝા પર ઈઝરાયેલ કબજો કરી ચૂક્યુ છે
ઈઝરાયેલ ગાઝા પર કબજો જમાવશે તો એ પહેલીવાર નહીં હશે કે ઈઝરાયેલી સેના પેલેસ્ટિનિયનોના મુખ્ય શહેર પર કંટ્રોલ કરશે. આ અગાઉ 1956માં થોડા સમય માટે ઈઝરાયેલે ગાઝા પર કબજો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયેલે 1967માં ગાઝા પર કબજો કરી લીધો હતો અને ઈઝરાયેલનો કબજો 2005 સુધી રહ્યો હતો. ઈઝરાયેલની સેનાએ 2005માં ગાઝા છોડી દીધું હતુ અને તેમનો કબજો ખતમ થઈ ગયો હતો.
ગાઝાની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલની રહેશે
ઈઝરાયેલના અહેવાલ મુજબ નેતન્યાહુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હમાસ સાથેના અનિશ્ચિત યુદ્ધ બાદ ગાઝાની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલના હાથમાં રહેશે. જો અમારી પાસે સુરક્ષાની જવાબદારી ન હોય તો શું થાય છે તે અમે જોયું છે.


