- યુદ્ધ સંરક્ષણ સામગ્રી સહાય પેકેજમાં શામેલ
- રશિયાએ યુક્રેનના 4 પ્રદેશોને કર્યા કબજે
- કેટલાક પશ્ચિમી દેશોએ શાંતિ માટે આપ્યા સૂચનો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ યથાવત છે. રશિયાએ યુક્રેનના 4 પ્રદેશોને કબજે કરીને તબાહી બોલાવી છે. તો બન્ને દેશ વચ્ચે હજુ પણ ડ્રોન હુમલાઓ ચાલું છે. તેવામાં અમેરિકાએ યુક્રેનને 250 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, આ મદદ યુક્રેનને રશિયા સામે લડવામાં મદદ કરશે. સંસદની મંજૂરી વિના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ આ વર્ષનું આ છેલ્લું પેકેજ છે. આ સાથે જ રશિયાએ તેને યુક્રેન માટે લોહિયાળ નવા વર્ષની ભેટ ગણાવી છે. રાષ્ટ્રપતિ જો બિડેને પહેલાથી જ કોંગ્રેસને યુક્રેનને $61 બિલિયનની વધારાની સહાય આપવા વિનંતી કરી છે. રિપબ્લિકન પાર્ટીના વિરોધને કારણે કોંગ્રેસમાં તેની મંજૂરીને લઈને મડાગાંઠ ચાલી રહી છે.
યુદ્ધ સંરક્ષણ સામગ્રી સહાય પેકેજની કરી જાહેરાત
સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકને જણાવ્યું હતું કે યુદ્ધ સંરક્ષણ સામગ્રી ઉપરાંત, સહાય પેકેજમાં ઉચ્ચ ગતિશીલતા રોકેટ સિસ્ટમ્સ અને આર્ટિલરી માટે દારૂગોળો અને રૂ. 1.5 કરોડથી વધુની કિંમતનો વધારાનો દારૂગોળો પણ સામેલ છે. વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે યુક્રેનને વધારાની મદદ વિના રશિયા પાસેથી કબજે કરવામાં આવેલ વિસ્તાર પરત લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
રશિયાએ યુક્રેનના ચાર પ્રદેશોને કબજે કર્યા
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેના આક્રમણ બાદ રશિયાએ યુક્રેનના ચાર વિસ્તારોને પોતાના કબજામાં લઈ લીધા છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગુરુવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે અમેરિકાએ આ વર્ષે યુક્રેનને 24 અબજ ડોલરના 34 સૈન્ય સહાય પેકેજ આપ્યા છે. આ સમર્થન માટે અમે હંમેશા આભારી રહીશું.
કેટલાક પશ્ચિમી દેશોએ શાંતિ માટે સૂચનો આપ્યા
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ગુરુવારે કહ્યું કે કેટલાક પશ્ચિમી દેશોએ રશિયાને સૂચન કર્યું છે કે આપણે શાંતિ માટે યુક્રેન સાથે વાતચીત કરવી જોઈએ. કારણ કે અમેરિકા અને તેના સાથી દેશો રશિયાને યુક્રેનમાં હરાવવામાં નિષ્ફળ રહ્યા છે. સર્ગેઈએ કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. લગભગ બે વર્ષના યુદ્ધમાં રશિયાએ યુક્રેનના 17.5 ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે.


