રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી છે. આ મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા પર હુમલો કરવા માટે અમેરિકા પાસેથી લાંબા અંતરની મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમની માગ કરી છે.
જર્મનીમાં યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગ્રુપની યોજાઈ બેઠક
શુક્રવારે જર્મનીના રૈમસ્ટીન બેસમાં યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, ડિફેન્સ મંત્રી રસ્ટમ ઉમેરોવ અને અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને ઘણા સહયોગી દેશોના અધિકારીઓએ ભાગ લીધો હતો.
લાંબા અંતરની મિસાઇલોની માંગણી કરી
આ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું કે, યુક્રેનમાં સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવા માટે લાંબા અંતરના હથિયારોની જરૂર છે, જેથી રશિયાને રોકી શકાય. તેમણે કહ્યું કે, આપણે રશિયાના લોકો અને સૈનિકોને એ વિચારવા મજબૂર કરવા પડશે કે તેઓ શાંતિ ઈચ્છે છે કે પુતિન? ઝેલેન્સકીએ વધુમાં કહ્યું છે કે, અમને માત્ર યુક્રેનના વિભાજિત પ્રદેશ પર જ નહીં, પરંતુ રશિયાના પ્રદેશ પર પણ આ લાંબા અંતરની ક્ષમતાવાળી મિસાઈલોની જરૂર છે, જેથી રશિયાને શાંતિ મંત્રણા માટે દબાણ કરી શકાય.
કેનેડાના રક્ષા મંત્રીએ ઝેલેન્સકીની માગને સમર્થન આપ્યું
અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું છે કે, અમેરિકા સુરક્ષા સહાય માટે કિવને 250 મિલિયન ડોલર આપશે. કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેયરે ઝેલેન્સકીને હથિયારોની માંગ પર સમર્થન આપ્યું છે. બ્લેયરે કહ્યું છે કે, તે ઝેલેન્સકી સાથે સહમત છે અને આશા છે કે પશ્ચિમી સહયોગીઓ પણ ઝેલેન્સકીની માગને સ્વીકારશે. તેમણે કહ્યું કે, કેનેડા પાસે લાંબા અંતરના શસ્ત્રો નથી, તેથી તે પોતે તે આપી શકે તેમ નથી.
કુર્સ્ક અભિયાન અંગે ઝેલેન્સ્કીનો મોટો દાવો
બીજી તરફ ઝેલેન્સકીએ પણ રશિયાના કુર્સ્કમાં યુક્રેનિયન સૈનિકોના ચાલી રહેલા ઓપરેશનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે, અત્યાર સુધી કુર્સ્કમાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા રશિયન સૈનિકોની સંખ્યા 6000 સુધી પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, 6 ઓગસ્ટના રોજ યુક્રેને અચાનક રશિયાના કુર્સ્કમાં ઘૂસણખોરી કરી હતી.. યુક્રેનની સેનાએ કુર્સ્કમાં રશિયા પાસેથી 80થી વધુ ગામો કબજે કરવાનો દાવો કર્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે કે જ્યારે રશિયાએ પોતાની જમીન બીજા દેશને ગુમાવી હોય.
કુર્સ્કમાં યુક્રેનની સેનાની ઘૂસણખોરી બાદ રશિયાએ હુમલા તેજ કર્યા
યુક્રેનના આ હુમલાથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ખૂબ નારાજ છે, પુતિને કહ્યું હતું કે, યુક્રેનને આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. કુર્સ્કમાં યુક્રેનની સેનાની ઘૂસણખોરી બાદ રશિયાએ તેના હુમલા તેજ કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રશિયાએ યુક્રેન પર અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી છે, જેના કારણે યુક્રેનમાં ભારે નુકસાન થયું છે.


