ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના બન્ને દેશ માટેના નિવેદનો સતત ચર્ચામાં રહ્યા હતા. ટ્રમ્પની પ્રતિક્રિયાઓથી દરેક ભારતીય આશ્ચર્યચકિત હતા. પરંતુ આ બધાની વચ્ચે એક એવા શખ્સની એન્ટ્રી થઇ છે. જેના વિશે ભારતથી લઇને અમેરિકા સુધી અને બાંગ્લાદેશથી લઇને પાકિસ્તાન સુધી ચર્ચાઓ થઇ રહી છે. આ વ્યક્તિનું નામ છે જેન્ટ્રી થોમસ બીચ. કોણ છે આ મહાનુભવ?, અને “ઓપરેશન સિંદૂર”ના ડૉનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સાથે તેમનો શું છે સંબંધ?
કોણ છે જેન્ટ્રી થોમસ બીચ?
જેન્ટ્રી થોમસ બીચ ટેકસાસના નિવાસી છે. અને રોકાણકાર તરીકે કામ કરે છે. આ ઉપરાંત જેન્ટ્રી થોમસ બીચ ડૉનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના જુના મિત્ર છે. આ બન્નેએ 1990ના દશકમાં વ્હાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કર્યો છે. હવે જેન્ટ્રી થોમસ અચાનક પાકિસ્તાન, બાંગ્લાદેશ અને તુર્કી સાથે સંકળાયેલી મોટી રોકાણ પ્રવૃત્તિના કેન્દ્રમાં આવી ગયા છે. જેન્ટ્રી થોમસ બીચ એક એવો વ્યક્તિ છે જે ટ્રમ્પના અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના માત્ર 10 દિવસ પછી જ એક વ્યાપારિક સોદા માટે પાકિસ્તાન પહોંચ્યો હતો. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બન્યા. તેઓ 30 જાન્યુઆરીએ ઇસ્લામાબાદમાં હતા. વિશ્વભરમાં પરિવર્તન અને વ્યવસાયિક તકો પર મોટા ભાષણો આપનારા ટ્રમ્પના આ મિત્રનું ઇસ્લામાબાદ પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
શહબાઝ સાથે મુલાકાત, અરબ ડૉલરનું વચન
જેન્ટ્રી થોમસ બીચે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. અને અરબો ડૉલરના રોકાણ અંગે વચન આપ્યુ હતુ. જેન્ટ્રી થોમસ બીચે જણાવ્યુ હતુ કે, ડૉનાલ્ડ ટ્ર્મ્પ આર્થિક કૂટનીતિમાં વિશ્વાસ કરે છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ પાકિસ્તાનના વિવિધ સેક્ટરમાં અરબો ડૉલરના રોકાણ માટે યોજનાઓ બનાવી રહ્યા છે. જેમાં ખનિજ અને પ્રોપર્ટી સેક્ટર પણ સામેલ છે.
સોનાની ખાણ પર ટ્રમ્પના નજીકીની નજર
જેન્ટ્રી થોમસે પાકિસ્તાની કંપની એપેક્સ એનર્જી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સોદાનો હેતુ સિંધુ નદીના કિનારે મળેલા ‘પ્લેસર ગોલ્ડ’ના ભંડારોનું અન્વેષણ અને વિકાસ કરવાનો હતો. તાજેતરમાં પાકિસ્તાનમાં સોનું મળવાના સમાચાર આવ્યા છે. આ સોનાની અંદાજિત કિંમત અબજો ડોલર હોવાનું કહેવાય છે. થોડા મહિના પહેલા, પાકિસ્તાનની નેશનલ એન્જિનિયરિંગ સર્વિસીસે અટોકમાં સિંધુ નદી પાસે 80,000 કરોડ રૂપિયાનો એક વિશાળ પ્લેસર ગોલ્ડ બ્લોક શોધવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાનના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના 2022-23ના અહેવાલ મુજબ, દેશમાં ઘણી જગ્યાએ ખનિજો અને કિંમતી ધાતુઓની શોધખોળનું કાર્ય ચાલી રહ્યું છે.