- વિવેક રામાસ્વામીએ આપ્યું નિવેદન
- રિપબ્લિકન પક્ષના ઉમેદવારોની રેસમાં છે વિવેક
- હિંદુ આસ્થા જ મને આઝાદી આપે છે : રામાસ્વામી
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટેની રેસમાં સામેલ ભારતીય-અમેરિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીએ કહ્યું છે કે હિંદુ આસ્થાએ તેમને આ રેસમાં સામેલ થવાની સ્વતંત્રતા અને પ્રેરણા આપી છે.
મહત્વનું છે કે હાલના દિવસોમાં અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. ડેમોક્રેટ પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન ચૂંટણી લડશે એવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે ત્યારે અમેરિકાના બીજા મુખ્ય પક્ષ રિપબ્લિકન પાર્ટીનો ઉમેદવાર કોણ બનશે તે માટે હાલમાં ભારે રસાકસી ચાલી રહી છે. આ રેસમાં બે મુખ્ય ભારતીય ઉમેદવારો વિવેક રામાસ્વામી અને નિક્કી હેલી પણ સામેલ છે. જો કે આ દિવસોમાં વિવેક રામાસ્વામીએ એક ઈસાઈ સંમેલનમાં તેમના કેમ્પેઈનના ભાગરૂપે હાજરી આપી હતી અને એક નિવેદન પણ આપ્યું હતું. જે હાલમાં ઘણું જ વાયરલ થઈ રહ્યું છે. રામાસ્વામીએ કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ એવા મૂલ્યોને પ્રોત્સાહન આપશે જે કોઈ એક ધર્મ સુધી મર્યાદિત નથી અને અમેરિકામાં ધાર્મિક આસ્થા, પરિવાર, મહેનત અને દેશભક્તિના મૂલ્યોને મજબૂત કરશે. રામાસ્વામીએ શનિવારે આયોજિત ‘ધ ફેમિલી લીડર ફોરમ’ કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.
ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક રામાસ્વામી એ કાર્યક્રમ દરમિયાન ખ્રિસ્તી પ્રેક્ષકો સાથે તેમની હિંદુ આસ્થા વિશે અને કેવી રીતે તેમનામાં ખ્રિસ્તી ધર્મ જેવા મૂલ્યો સ્થાપિત કર્યા છે તે વિશે વાત કરી. તેણે કહ્યું, ‘મારો વિશ્વાસ જ મને સ્વતંત્રતા આપે છે. મારા વિશ્વાસે જ મને રાષ્ટ્રપતિની રેસમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી છે.’ તેણે કહ્યું, ‘હું હિંદુ છું. હું માનું છું કે ભગવાનમાં વિશ્વાસ એ સત્ય છે. ભગવાને આપણને અહીં એક હેતુ માટે મોકલ્યા છે. ઈશ્વરના હેતુને સાકાર કરવો એ આપણી ફરજ છે. આપણા ધર્મની એક મૂળ વાત એ છે કે ભગવાન આપણા બધામાં વસે છે.
તેમના ઉછેર વિશે બોલતા, રિપબ્લિકન નેતાએ કહ્યું કે પરિવાર, લગ્ન અને માતા-પિતા માટે આદર જેવા મૂલ્યો તેમનામાં મહત્વના છે. રામાસ્વામીએ કહ્યું, ‘હું પરંપરાગત વિચારોના ઘરમાં ઉછર્યો છું. મારા માતા-પિતાએ મને શીખવ્યું કે કુટુંબએ ખુશીઓનો અને દુનિયાનો પાયો છે. તમારા માતાપિતાને માન આપો. લગ્ન પવિત્ર છે. એક જ રસ્તો છે કે લગ્ન પહેલા સંયમ રાખવો. વ્યભિચાર ખોટું છે. લગ્ન એક પુરુષ અને સ્ત્રી વચ્ચે છે. છૂટાછેડા એ માત્ર અમુક પસંદગીઓ નથી જે તમે પસંદ કરો છો. તમે ભગવાન સમક્ષ લગ્ન કરો છો અને તમે ભગવાન અને તમારા પરિવાર સમક્ષ શપથ લો છો. આમ પોતાના હિંદુ ધર્મ, આસ્થા અને સંસ્કારો વિશે રામાસ્વામીએ આજે વખાણ કર્યા હતા અને તેને તેમની શક્તિ પણ ગણાવી હતી.


